Site icon Revoi.in

બિહાર: લગ્ન સમારંભમાં પાર્કિંગને લઈને થયેલા વિવાદમાં બે લોકોના મોત, પાંચ ઘાયલ

Social Share

પટનાઃ બિહારના ભોજપુર જિલ્લામાં લગ્ન સમારંભમાં પાર્કિંગને લઈને થયેલા વિવાદમાં ગોળીબાર થતાં બે લોકોના મોત થયા છે અને પાંચ લોકો ઘાયલ થયા છે. પોલીસે જણાવ્યું કે આ ઘટના ગધાણી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના લહરપા ગામમાં બની હતી. પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, લગ્ન સમારંભમાં વાહનો પાર્ક કરવાને લઈને બે જૂથો વચ્ચે વિવાદ થયો હતો, જેના પગલે એક પક્ષે બીજા પક્ષ પર ગોળીબાર કર્યો હતો.

પોલીસે જણાવ્યું હતું કે,  “ગોળી વાગવાથી એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે બીજાને હોસ્પિટલમાં ડોક્ટરોએ મૃત જાહેર કર્યો હતો.” મૃતકોની ઓળખ લવકુશ અને રાહુલ તરીકે થઈ છે. પોલીસે જણાવ્યું હતું કે પાંચ અન્ય લોકોને ગોળી વાગી હતી અને તેમને ભોજપુર જિલ્લા મુખ્યાલય આરાની એક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છ. પોલીસે જણાવ્યું હતું કે તેઓ ગોળીબારમાં સામેલ આરોપીઓની ઓળખ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.