
સિદ્ધપુર નજીક મોહિની નદીના ધસમસતા પૂરમાં બાઈક સવાર યુવાન માંડ બચીને કાંઠે પહોંચ્યો
પાટણઃ જિલ્લામાં છેલ્લા બે દિવસથી સમયાંતરે જુદા જુદા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે, સિધ્ધપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તાર અને ઉપરવાસમાં છેલ્લા બે દિવસથી જળબંબાકાર વરસાદ ખાબકતા સિદ્ધપુર તાલુકાના ગાંગલાસણ અને ખડીયાસણ વચ્ચે આવેલી મોહિની નદીમાં નવા નીર આવ્યા આવ્યા છે. ઉપરવાસ અને સિદ્ધપુરમાં ભારે વરસાદથી ગ્રામ્ય વિસ્તારના માર્ગો પર પાણી ફરી વળ્યા હતા અને ગ્રામ્ય વિસ્તારના કોઝ વે પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. ત્યારે આ પ્રવાહમાં એક બાઇક ચાલક અંદરથી પસાર થવા જતા અંદર ફસાઈ ગયો હતો. સદનસીબે બાઇક પડતું મૂકી બહાર આવી જતા તેનો જીવ બચી ગયો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ સિદ્ધપુરના ખડીયાસણ-ડુંગરીયાસણ પાસે મોહિની નદીમાં એક બાઈક ચાલક ફસાઈ ગયો હતો. પાણીના પ્રવાહમાં તેનું બાઈક ફસાઈ જતા આ યુવકે બાઈકને બચાવવા ઘણી જ કોશિશ કરી પરંતુ પોતાનો જીવ બચાવવા બાઈકને પાણીના વહેણમાં છોડી દેવું પડ્યું હતું. જોકે, પાણીના વહેણમાં તણાવાની કે ડૂબવાની પણ શક્યતાને લઈને તંત્ર એલર્ટ બની પોલીસ પોઇન્ટ મુકવામાં આવ્યો છે.. મહત્વનું છે કે, પાટણ જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસથી હળવાથી ભારે વરસાદ પડી રહ્યો છે. જિલ્લાના સિદ્ધપુરમાં રવીવાર મોડી રાતે ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને પગલે શહેરના મોટા ભાગના વિસ્તારોમાં પાણી ભરાયાં હતા અને અનેક નદીઓમાં નવા નીર આવ્યાં છે. મેહુલિયાએ તોફાની બેટિંગ કરતાં રસ્તાઓ અને સોસાયટીમાં પૂર જેવો માહોલ જોવા મળ્યો હતો અને શહેરમાં જાણે કે આભ ફાટ્યું હોય એવી સ્થિતિ હતી.