Site icon Revoi.in

અમદાવાદ-મહેસાણા હાઈવે પર અજાણ્યા વાહને ટક્કર મારતા બાઈકચાલકનું મોત

Social Share

અમદાવાદઃ મહેસાણા અમદાવાદ હાઈવે પર આવેલા બાલીયાસણ ગામના પાટિયા પાસે હીટ એન્ડ રનના બનાવમાં બાઈકચાલક યુવાનું મોત નિપજ્યું હતું. કોઈ અજાણ્યા વાહન ચાલકે બાઈક પર જતાં યુવકને ટક્કર મારી ફરાર થઇ ગયો હતો. આ અકસ્માતની ઘટનામાં બાઈક ચાલક યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટના અંગે લાઘણજ પોલીસ મથકમાં મૃતકના નાના ભાઈએ અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને અજાણ્યા વાહનચાલકની શોધખોળ હાથ ધરી છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, મહેસાણા તાલુકામાં આવેલા લિંચ ગામના પાંજરાપોળ વિસ્તારમાં પોતાના પરિવાર સાથે રહેતા ઠાકોર અશોકભાઈ ગઈકાલે તા. 28 ઓક્ટોબરના રોજ પોતાનું બાઈક લઈ કામ અર્થે જતા હતાં એ દરમિયાન મહેસાણા-અમદાવાદ હાઇવે પર આવેલા બાલીયાસણ પાટિયા પાસે અજાણ્યા કોઈ વાહને અશોકભાઈના બાઈકને ટક્કર મારતા તેઓ રોડ પર પટકાયા હતા. રોડ પર ફગોળાઈને પટકાતા તેના શરીર પર વાહનના ટાયર ફરી વળતા શરીર કચડાઈ ગયું હતું અને શરીરના ટુકડા થઈ ગયા હતાં. સમગ્ર અકસ્માતની જાણ નાના ભાઈ સહિત પરિવારને થતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. બાદમાં મૃતદેહને પીએમ માટે લાઘણજ સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. સમગ્ર ઘટના અંગે નાના ભાઈ મુકેશજી ઠાકોરે અજાણ્યા ગાડી ચાલક સામે લાઘણજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

 

Exit mobile version