વડોદરા, 23 જાન્યુઆરી 2026: શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે ગઈ મોડી રાતે અકોટા બ્રિજ નજીક વધુ એક અકસ્માત સર્જાયો હતો. શહેરના અકોટા બ્રિજથી નર્સિંગ હોમ ચાર રસ્તા તરફ જતા રોડ પર પૂર ઝડપે આવેલા બાઈક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા બાઈક ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાતા બાઈકચાલકનું માથું ફાટી જતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
અકસ્માતના આ બનાવની વિગત એવી છે કે, ગઈ મોડી રાત્રે શહેરના અકોટા દાંડિયાબજાર બ્રિજ તરફથી નર્સિંગ હોમ ચાર રસ્તા નજીક પૂરઝડપે બાઈક ડિવાઈડ સાથે અથડાયુ હતુ. ટક્કર એટલી ભયાનક હતી કે રોડ પર લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું હતું. આ અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા. અને અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકને 108 મારફતે તાત્કાલિક સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબે મૃત જાહેર કર્યો હતો. મૃતક યુવકની ઉંમર આશરે 25 વર્ષની હોવાનો પ્રાથમિક અંદાજ છે અને તેની હજુ ઓળખ થઈ નથી. આ મામલે રાવપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ મામલે રાવપુરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. મૃતક યુવકના પરિવારજનોનો સંપર્ક હજુ થયો નથી. સાથે આ યુવકે માથા પર પ્લાસ્ટિકની થેલી શા માટે બાંધી હતી તે દિશામાં પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માત સમયે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તેઓનું કહેવું છે કે એક બાઈક અહીંથી પસાર થઈ હતી. આગળ જતા અવાજ આવ્યો હતો અને અન્ય બાઈક વાળા દોડીને ગયા હતા, શું થયું તે ખબર જ ન પડી.

