Site icon Revoi.in

ચાંગોદરના ઓવરબ્રિજ પર ખાનગી બસનું ટાયર નીકળીને બ્રિજ નીચે પડતા બાઈકચાલકનું મોત

Social Share

અમદાવાદઃ રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર ચાંગોદર નજીક ઓવરબ્રિજ પર એક ખાનગી બસ પૂર ઝડપે જઈ રહેલી હતી. ત્યારે ખાનગી કંપનીની બસનું ટાયર અચાનક નીકળીને નીચે સર્વિસ રોડ પર પડતા, ત્યાંથી પસાર થઈ રહેલા એક બાઈક ચાલકનું મોત નીપજ્યું હતુ.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, અમદાવાદ નજીક નેશનલ હાઈવે પર ચાંગોદર બ્રિજ પરથી ‘યુનિસન ફાર્મા’ કંપનીની સ્ટાફ બસ પસાર થઈ રહી હતી. તે દરમિયાન ચાલુ બસે અચાનક ટાયર નીકળી ગયું હતું. આ ટાયર બ્રિજ પરથી સીધું નીચે સર્વિસ રોડ પર ખાબક્યું હતું. કમનસીબે, તે જ સમયે નીચેથી બાઈક લઈને પસાર થઈ રહેલા ભીખાભાઈ ત્રિકમભાઈ ઝાલા પર આ તોતિંગ ટાયર પડ્યું હતું.  સર્વિસ રોડ પર જઇ બાઈક સવાર ભીખાભાઈ પર ટાયર પડતાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ હતુ. મૃતક ભીખાભાઈ ઝાલા મૂળ ધોળકા તાલુકાના બદરખા ગામના રહેવાસી હતા. તેઓ હર્ષા નામની ખાનગી કંપની પાસેથી સર્વિસ રોડ પર જઈ રહ્યા હતા ત્યારે કાળ બનીને આવેલા ટાયરે તેમનો ભોગ લીધો હતો. આ ઘટનાને પગલે લોકટોળા ઉમટી પડ્યા હતા અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જાણ થતાં જ ચાંગોદર ટ્રાફિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હત અને ટ્રાફિક હળવો કરાવ્યો હતો.

Exit mobile version