અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલુ બિપોરજોય વાવાઝાડાનું સંકટ ધીમે-ધીમે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડુ પ્રતિ કલાક 10 કિમીની ઝડપે ગુજરાત તરફ ગળ વધી રહ્યું છે અને હાલ પોરબંદરથી લગભગ 290 કિમી દૂર છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડું કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાંચી વચ્ચે ટકરાવવાની શકયતા છે. જેના પરિણામે વહીવટી તંત્ર સાબદુ બન્યું છે. તેમજ અધિકારીઓને રાજ્ય સરકારે હેડ ક્વોટર્સ નહીં છોડવા માટે નિર્દેશ કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અરબી સમુદ્રમાં સર્જાયેલુ વાવાઝોડુ આવતીકાલથી વધારે આક્રમક બનાવની શકયતા છે. તેમજ 15મી જૂનના રોજ વાવાઝોડુ દરિયાકાંઠે ટકરાવવાની શકયતા છે. કચ્છના જખૌથી લગભગ પ્રતિ કલાક 123થી 135 કિમીના ભારે પવન સાથે પસાર થશે. દરમિયાન વહીવટી તંત્ર દ્વારા કચ્છ અને સૌરાષ્ટ્રમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા સૂચન કરવામાં આવ્યુ છે.
દેવભૂમિ દ્વારકાના દરિયામાં ભારતીય કોસ્ટગાર્ડનું દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન કર્યુ હતું. મધદરિયે ફસાયેલા ઓઇલ રીગમાં કામ કરતા કર્મચારીઓને બચાવવામાં આવ્યા છે. ઓઇલ રીંગના 50 કર્મચારીઓને એરલિફ્ટ કરવામાં આવ્યા છે. 50 કર્મચારીઓને રેસ્ક્યૂ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આ કર્મચારીઓ ‘ઓઇલ ડ્રિલિંગ શીપ કી’ સિંગાપોરના હતા. રાજ્યમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના બંદરોમાં વાવાઝોડાના સંકટને પગલે ભયજનક સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજ્ય સરકારના મંત્રીઓ દરિયાકાંઠાના જિલ્લાઓ ઉપર અધિકારીઓ સાથે મળીને સંભવિત શકયતાને ધ્યાનમાં રાખીને વ્યવસ્થાપનની કામગીરીમાં જોડાયાં છે.