હવે ઓફિસમાં ખુરશી પર બેસીને કર્મચારીઓ કરશે યોગ,કેન્દ્રએ Y-બ્રેક લેવાની આપી સૂચના
- હવે કેન્દ્રના કર્મચારીઓ ઓફિસમાં યોગ કરતા જોવા મળશે
- સરકારે તણાવથી દૂર રહેવા Y-બ્રેકની આપી સલાહ
દિલ્હી : કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓને તણાવથી દૂર રહેવા અને ફ્રેશ રહેવા માટે ઓફિસ દરમિયાન યોગા બ્રેક (વાય-બ્રેક) લેવાની સલાહ આપી છે. કર્મચારી મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશમાં કેન્દ્રના મંત્રાલયો અને વિભાગોને કાર્યસ્થળ પર આ નવા યોગ પ્રોટોકોલને અપનાવવા અને તેને પ્રોત્સાહન આપવા માટે કહેવામાં આવ્યું છે. મંત્રાલય દ્વારા કેટલીક સરળ યોગ કસરતોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં આસનો, પ્રાણાયામ અને ધ્યાનનો સમાવેશ થાય છે.
ઓફિસમાં કર્મચારીઓ માટે Y-બ્રેકનો વિચાર આયુષ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. મંત્રાલયે પોતાના આદેશમાં કહ્યું છે કે વાય-બ્રેક પ્રોટોકોલને લઈને અત્યાર સુધી જે પ્રતિક્રિયા આવી છે તે ખૂબ જ પ્રોત્સાહક છે. Y બ્રેકનો અર્થ એ છે કે ટૂંકા વિરામ જે કર્મચારીઓ તેમની ખુરશી પર બેસીને લઈ શકે છે. આ માટે તેમને કોઈ કેમ્પમાં જવાની કે ઓફિસની બહાર જવાની જરૂર નથી.
12 જૂને જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે મોરારજી દેસાઈ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ યોગ અને આયુષ મંત્રાલયે આ બ્રેક એવા કર્મચારીઓ માટે લાવ્યા છે જેઓ કામની વ્યસ્તતાને કારણે બહાર જઈને યોગાભ્યાસ કરી શકતા નથી. આવી સ્થિતિમાં કર્મચારીઓ અને અધિકારીઓ તેમની ઓફિસમાં બેસીને આ બ્રેક લઈ શકે છે.