15 વર્ષ બાદ પહેલી વખત સરકારે લીઘુ આ પગલું, ઘઉં પર આગામી માર્ચ સુધી સંગ્રહ મર્યાદા લાદવામાં આવી
- 15 વર્ષમાં પ્રથમ વખત સરકારનો મહત્વનો નિર્ણય
- ઘઉં પર આગામી માર્ચ સુધી સંગ્રહ મર્યાદા લાદવામાં આવી
દિલ્હીઃ- કેન્દ્ર સરકાર દ્રારા ઘંઉના સંગ્રહને લઈને છેલ્લા 15 વર્ષ બાદ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રાપ્ત જાણકારી એક દાયકાથી પણ વધુ સમય બાદ પ્રથમ વખત, સરકારે સોમવારે ઘઉંના વધતા ભાવને રોકવા માટે માર્ચ 2024 સુધી તાત્કાલિક અસરથી ઘઉં પર સ્ટોક મર્યાદા લાદી છે.
આ ‘સ્ટોક મર્યાદા’ 31 માર્ચ, 2024 સુધી લાગુ કરવામાં આવી છે જે ખાસ કરીને મોટા વેપારીઓ, જથ્થાબંધ વેપારી, છૂટક વિક્રેતાઓ, મોટા રિટેલ ચેઇન વિક્રેતાઓ અને પ્રોસેસર્સ પર લાદવામાં આવી છે.
આ સાથે જ સરકારે ઓપન માર્કેટ સેલ સ્કીમ અંતર્ગત પ્રથમ તબક્કામાં કેન્દ્રીય પૂલમાંથી જથ્થાબંધ ગ્રાહકો અને વેપારીઓને 1.5 મિલિયન ટન ઘઉં વેચવાનો પણ નિર્ણય કર્યો છે.આ બાબતને લઈને ખાદ્ય સચિવ સંજીવ ચોપરાએ મીડિયા સમક્ષ જાણકારી આપી હતી.
મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે છેલ્લા મહિનામાં ઘઉંના ભાવમાં વધારો થયો છે. મંડી સ્તરે કિંમતોમાં લગભગ આઠ ટકાનો વધારો નોંધાયો છે. જો કે જથ્થાબંધ અને છૂટક ભાવમાં તેટલો વધારો જોવા મળ્યો નથી, પરંતુ સરકારે ઘઉં પર સ્ટોક લિમિટ લાદી છે જે આગામી માર્ચ સુધી રહેશે.
ઘઉં પરની આયાત ડ્યૂટી ઘટાડવા અંગે સચિવે જણાવ્યું હતું કે દેશમાં પૂરતો પુરવઠો હોવાથી નીતિમાં ફેરફાર કરવાની કોઈ યોજના નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે ઘઉંની નિકાસ પરનો પ્રતિબંધ પણ હજી યથાવત જ રાખવામાં આવ્યો છે તેમાં પણ કોી પણ પ્રકારની છૂટ આપવામાં આવી નથી.