ઉત્તરભારતમાં કડકડતી ઠંડીઃ દિલ્હી-યુપી સહિત અનેક રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ
નવી દિલ્હી 07 જાન્યુઆરી 2026: સમગ્ર ઉત્તર ભારત અત્યારે હાડ થીજવતી ઠંડી અને ગાઢ ધુમ્મસની લપેટમાં છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં આકરી ઠંડીને પગલે ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કર્યું છે. પહાડી વિસ્તારોમાં થઈ રહેલી હિમવર્ષાને કારણે મેદાની વિસ્તારોમાં શીત લહેર (Cold Wave) ફરી વળી છે, જેના કારણે સામાન્ય જનજીવન ખોરવાયું છે.
તીવ્ર ઠંડીને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની સુરક્ષા માટે વિવિધ રાજ્ય સરકારોએ મહત્વના નિર્ણય લીધા છે. સવાઈ માધોપુર અને જયપુર સહિતના અનેક જિલ્લાઓમાં ધોરણ 1 થી 5 સુધીની શાળાઓ 10 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો આદેશ અપાયો છે. લખનૌ અને અન્ય જિલ્લાઓમાં ધોરણ 8 સુધીની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. આ રાજ્યોમાં પણ શિયાળુ વેકેશન લંબાવવામાં આવ્યું છે અથવા શાળાઓના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
વધુ વાંચો: ઝારખંડમાં જંગલી હાથીનો આતંક, એક જ રાતમાં 7 લોકોના મોત
દિલ્હી, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં વહેલી સવારે ‘ઝીરો વિઝિબિલિટી’ જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. ગાઢ ધુમ્મસને કારણે રેલવે અને હવાઈ સેવાઓ પર માઠી અસર પડી છે. ઘણી ટ્રેનો મોડી ચાલી રહી છે અને ફ્લાઈટ્સના શિડ્યુલમાં પણ ફેરફાર કરવાની ફરજ પડી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બિહાર, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં પણ આગામી થોડા દિવસો સુધી આવી જ સ્થિતિ યથાવત્ રહેશે. પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને પૂર્વોત્તર રાજ્યોમાં પણ ગાઢ ધુમ્મસની ચેતવણી આપવામાં આવી છે. નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને ઠંડીથી બચવા પૂરતી સાવચેતી રાખવા સલાહ આપવામાં આવી છે.
વધુ વાંચો: કોલંબો એરપોર્ટ પર કરોડોના ગાંજા સાથે ત્રણ ભારતીયોની ધરપકડ


