1. Home
  2. ગુજરાતી
  3. રાજસ્થાનઃ 300 વર્ષ જૂના મંદિર ઉપર બુલડોઝર ચલાવાયું, ભાજપ-કોંગ્રેસના એકબીજા ઉપર આક્ષેપ
રાજસ્થાનઃ 300 વર્ષ જૂના મંદિર ઉપર બુલડોઝર ચલાવાયું, ભાજપ-કોંગ્રેસના એકબીજા ઉપર આક્ષેપ

રાજસ્થાનઃ 300 વર્ષ જૂના મંદિર ઉપર બુલડોઝર ચલાવાયું, ભાજપ-કોંગ્રેસના એકબીજા ઉપર આક્ષેપ

0
Social Share

અજમેરઃ રાજસ્થાનના અલવરમાં સરાઈ રાઉન્ડઅબાઉટ પર રોડ પહોળો કરવા દબાણ દૂર કરવાના મામલે વિવાદ ઉભો થયો છે. માર્ગમાં આવેલા 300 વર્ષ જૂના મંદિર પર પણ બુલડોઝર ચલાવવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. આ કાર્યવાહી પર ભાજપે રાજસ્થાનની કોંગ્રેસ સરકાર ઉપર ગંભીર આક્ષેપ કર્યાં છે. ભાજપાએ આક્ષેપ કર્યો હતો કે,  વિકાસના નામે મંદિર તોડવું યોગ્ય નથી. કોંગ્રેસ બદલાની રાજનીતિ કરી રહી છે. દરમિયાન કોંગ્રેસે પલટવાર કરતા કહ્યું કે રાજગઢ નગરપાલિકામાં ભાજપનું બોર્ડ છે અને તેમણે આ કાર્યવાહી કરી છે. આમ સમગ્ર કાર્યવાહીમાં પોતાનો કોઈ રોલ નહીં હોવાનો બચાવ કોંગ્રેસ કરી રહી છે. રાજગઢ નગરના શિવાલય ઉપર જેસીબી ચાલતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને લોકોમાં તંત્રની કામગીરી સામે નારાજગી ફેલાઈ છે. બીજી તરફ સરકારી અધિકારીઓ પણ આ મુદ્દે કંઈ બોલવાનું ટાળી રહ્યાં છે.

વહીવટી તંત્રએ જણાવ્યું હતું કે, માસ્ટર પ્લાન મુજબ રાજગઢમાં દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી છે. વર્ષોથી અહીં પુષ્કળ અતિક્રમણ થયું હતું. રેવન્યુ રેકોર્ડ મુજબ અહીં લગભગ 60 ફૂટનો રોડ છે. જે 25 ફૂટ પણ બાકી ન હતું. જેના કારણે જેસીબીથી અતિક્રમણ દૂર કરવામાં આવ્યું છે. દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય જોહરી લાલ મીણાએ કહ્યું કે રાજગઢ શહેરમાં અતિક્રમણ હટાવવામાં આવ્યું છે. અહીંની નગરપાલિકામાં ભાજપનું બોર્ડ છે. એટલા માટે તેઓ વધુ કહી શકતા નથી. બીજી તરફ પાલિકા બોર્ડના ચેરમેનનું કહેવું છે કે વહીવટીતંત્રના સ્તરે આ કાર્યવાહી કરવામાં આવી છે જ્યારે વહીવટીતંત્રનું કહેવું છે કે, પાલિકા બોર્ડના સ્તરે ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. ત્યાર બાદ જ અતિક્રમણ દૂર થાય છે. હકીકતમાં 2012ના માસ્ટર પ્લાનમાં 60 ફૂટનો રોડ છે. આ માસ્ટર પ્લાનનો ઉલ્લેખ કરીને કાર્યવાહી કરવામાં આવી છે.

આ કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત કરીને રાજ્યસભાના સાંસદ અને ભાજપના નેતા કિરોડીલાલ મીણાએ કહ્યું હતું કે બોર્ડ ભૂલ કરી ચૂક્યું છે, તેને તોડવું ન જોઈએ. બીજી તરફ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સતીશ પુનિયાએ કહ્યું કે 300 વર્ષ જૂના મંદિર પર કેવી રીતે અતિક્રમણ કરી શકાય. બીજેપી પોતાની ટીમને સ્થળ પર મોકલી રહી છે, જે ત્રણ દિવસમાં પોતાનો રિપોર્ટ આપશે.

બીજેપીના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે, વિકાસના નામે ભગવાનના મંદિર પર હુમલો કરવો ખૂબ જ દુઃખદ છે. આ માટે તેમણે રાહુલ ગાંધી પર પણ નિશાન સાધ્યું અને કહ્યું કે તમે બદલાની ભાવના સાથે વોટ બેંકની રાજનીતિને આગળ વધારી રહ્યા છો. બીજી તરફ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ગોવિંદસિંહ દોટાસરાએ ભાજપ પર રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો હતો. દોટાસરાએ જણાવ્યું હતું કે 2018માં ભાજપ મંડળ પ્રમુખે કલેક્ટરને પત્ર લખીને આ અતિક્રમણ દૂર કરવાની ભલામણ કરી હતી. રાજગઢમાં ભાજપનું બોર્ડ છે. તેના અધ્યક્ષ સતીશ ગુહારિયા છે. બોર્ડની બેઠકમાં આ અતિક્રમણ દૂર કરવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. ત્યારે જ આ અતિક્રમણ દૂર કરવામાં આવ્યું છે. કોંગ્રેસ સરકારમાં મંદિરો સાથે છેડછાડ થતી નથી, આ ભાજપનો એજન્ડા રહ્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code