બંગાળમાં ભાજપ સરકારનો મોટો નિર્ણય: હવે શાળાઓમાં દરરોજ ગવાશે વંદે માતરમ
કોલકાતા, 14 મે 2026: પશ્ચિમ બંગાળમાં નવી રચાયેલી ભારતીય જનતા પાર્ટીની સરકારે સત્તા સંભાળતાની સાથે જ મોટા નિર્ણયો લેવાની શરૂઆત કરી દીધી છે. રાજ્યના શિક્ષણ વિભાગે એક સત્તાવાર સૂચના જારી કરીને તમામ સરકારી અને સહાય અનુદાનિત શાળાઓમાં દરરોજ સવારની એસેમ્બલીમાં ‘વંદે માતરમ’ ગીતનું ગાન ફરજિયાત બનાવ્યું છે.
શિક્ષણ નિયામક દ્વારા મોકલવામાં આવેલા પત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, વર્ગો શરૂ થાય તે પહેલાં સવારની પ્રાર્થના સભામાં ‘વંદે માતરમ’નું ગાન અનિવાર્ય રહેશે. દરેક વિદ્યાર્થીએ આમાં સહભાગી થવું પડશે અને શાળાના વડાઓએ આ સૂચનાનું કડકાઈથી પાલન થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે. એટલું જ નહીં, અમલીકરણના પુરાવા તરીકે શાળાઓએ આ પ્રક્રિયાની વિડિયો રેકોર્ડિંગ પણ રાખવી પડશે.
આ નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય પ્રતીકોના સન્માન માટે લેવામાં આવેલા પગલાંના અનુસંધાને લેવાયો છે. ઉલ્લેખનીય છે કે, ‘રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ અધિનિયમ, 1971’ માં સૂચિત સુધારા હેઠળ હવે ‘વંદે માતરમ’ના ગાનમાં અવરોધ ઊભો કરવો એ શિક્ષાપાત્ર ગુનો બનશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જાન્યુઆરીમાં રાષ્ટ્રગીત ‘વંદે માતરમ’ ના 150 વર્ષ પૂર્ણ થવાના માનમાં આ આદેશ જારી કર્યો હતો, જેનો હવે બંગાળમાં અમલ શરૂ થયો છે.
અત્યાર સુધી બંગાળની શાળાઓમાં રવીન્દ્રનાથ ટાગોર રચિત રાષ્ટ્રગીત ‘જન ગણ મન’ ગાવામાં આવતું હતું. અગાઉની ટીએમસી સરકારે ટાગોરના જ ગીત ‘બાંગ્લાર માટી બાંગ્લાર જલ’ ને રાજ્ય ગીત તરીકે ફરજિયાત બનાવ્યું હતું. હવે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની રચના ‘વંદે માતરમ’ ઉમેરાતા શાળાઓ મૂંઝવણમાં છે. એક શાળાના આચાર્યે જણાવ્યું કે, “અમે રાષ્ટ્રગાન છોડી શકતા નથી. હવે પ્રથમ ‘વંદે માતરમ’ ગવાશે. જો રાજ્ય ગીત પણ ગાવાનું રહેશે તો સમય ઘણો જશે અને વર્ગો શરૂ કરવામાં મોડું થશે.” નવી નોટિસમાં અગાઉના રાજ્ય ગીત વિશે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી, જેના કારણે વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં અસમંજસની સ્થિતિ છે.
પશ્ચિમ બંગાળમાં પ્રથમવાર ભાજપની સરકાર બની હોવાથી રાષ્ટ્રીય ગીત પર ભાર મૂકવો એ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના એજન્ડાનો ભાગ માનવામાં આવે છે. 1905માં બંગાળ વિભાજનના વિરોધ સમયે આ ગીત આંદોલનનું કેન્દ્ર હતું અને હવે વર્ષો પછી તે ફરી બંગાળની શાળાઓમાં ગુંજશે.
આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં આતંકી મોડ્યુલનો પર્દાફાશ: ઓનલાઇન ગેમિંગની આડમાં કરાતી હતી ભરતી


