
વડોદરાઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી માટે ભાજપ-કોંગ્રેસને ભારે કસરત કરવી પડી છે. પક્ષના કાર્યકર્તાઓ, નેતાઓના રિસામણા અને મનામણાનો દોર ચાલ્યો હતો. ભાજપમાં તો કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહને મેદાનમાં આવવાની ફરજ પડી હતી. વ્યક્તિગત ફોનાફોની કરીને નારાજગી દુર કરવાના પ્રયાસો કર્યા હતા. વડોદરા શહેર અને જિલ્લાની બેઠકો પર ઉમેદવારોની પસંદગી ભાજપ માટે માથાના દુઃખાવારૂપ બની હતી. ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને ટિકિટ ન મળતા તેમણે બળવો કરવાની ચીમકી આપતા પ્રદેશના નેતાઓએ તેમણે મનાવવા ભારે મથામણ કરી હતી. પરંતુ આખરે મધુ શ્રીવાસ્તવે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. જ્યારે વડોદરા માજલપુર બેઠકમાં યોગેશ પટેલે પણ પોતાને ટિકિટ આપવામાં માટે જીદ પકડી હતી. ભાજપની નેતાગીરીને આખરે ઝૂંકવું પડ્યું હતુ. અને યોગેશ પટેલને ટિકિટ આપવી પડી છે.
ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી ભાજપ દ્વારા 181 બેઠકો ઉપર ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા અને એક માત્ર. વડોદરાની માંજલપુર બેઠક ઉપર કોંકડું ગૂંચવાયેલું હતું. પરંતુ ભાજપે મોડી રાત સુધી ભારે મંથન કર્યા બાદ આજે સવારે વડોદરાની માંજલપુર બેઠક ના ઉમેદવારની જાહેરાત કરી હતી. યોગેશ પટેલે જણાવ્યું હતું કે મને મોવડી મંડળ તરફથી ફોન આવી ગયો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરાના માંજલપુર બેઠક પર ભાજપે 76 વર્ષના યોગેશ પટેલને ફરી એકવાર રિપિટ કર્યા છે. યોગેશ પટેલનો દાવો કર્યો હતો કે આજે સવારે મને મોવડી મંડળ તરફથી ફોન આવ્યો હતો. એટલું જ નહીં, મેન્ડેટ મળ્યો હોવાનો પણ યોગેશ પટેલે દાવો કર્યો હતો. ભાજપે સતત 8મી વખત યોગેશ પટેલને ટિકિટ આપી છે. ભાજપ દ્વારા 181 બેઠકો ઉપર ઉમેદવારો જાહેર કરી હતી, પરંતુ એક માત્ર વડોદરાની માંજલપુર બેઠક પર યોગેશ પટેલના કારણે કોકડું ગૂંચવાયેલું હતું..
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, વડોદરા વિધાનસભાની ત્રણ બેઠકો હતી, ત્યારે ધારાસભ્ય યોગેશ પટેલ 4 વખત રાવપુરા બેઠક ઉપરથી ચૂંટાઇ આવ્યા હતા. ત્યાર બાદ વડોદરાની પાંચ વિધાનસભા બેઠકો થયા બાદ તેઓ છેલ્લી 2 ટર્મથી માંજલપુર બેઠક ઉપર ચૂંટાતા આવ્યા છે. પાર્ટીએ યોગેશ પટેલને આઠમી વખત તક આપી છે. આ બેઠક પર અનાર પટેલનું નામ ચર્ચામાં હતુ. અનાર પટેલનું નામ ચર્ચામાં આવતા યોગેશ પટેલ નારાજ પણ થયા હોવાની પણ માહિતી મળી હતી. જેના કારણે ભાજપે બુધવાર સુધી સત્તાવાર ઉમેદવાર જાહેર પણ કર્યા નહતા.