ભાજપે દેશને દેવામાં ડૂબાડ્યો વ્યક્તિ દીઠ 5.31 લાખનું દેવું : ડૉ તુષારભાઈ ચૌધરી
મહેમદાવાદ, 23 ડિસેમ્બર, 2025ઃ Congress Janakrosh Yatra-2 જન આક્રોશ યાત્રાના ત્રીજા દિવસે ખેડા જિલ્લાના મહેમદાવાદથી શરૂ થઈ હતી. ત્યારબાદ યાત્રા વિરોલ છાપરા, માતર, ત્રાજ, લીંબાસી, મકવાળા, દેથળી, આલિંદ્ર અને વસો માર્ગે નડિયાદ શહેર તરફ આગળ વધી. યાત્રા દરમિયાન રસ્તામાં સ્થાનિક નાગરિકોએ ઠેરઠેર યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું.
જન આક્રોશ યાત્રા દરમ્યાન સભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ જણાવ્યું કે ભાજપ સરકાર ખેડૂત વિરોધી સરકાર છે. રાહત પેકેજમાં પણ ભેદભાવ કરવામાં આવે છે અને તાજેતરમાં જાહેર કરાયેલા રાહત પેકેજમાં હજુ સુધી ખેડૂતોને કોઈ સહાય મળી નથી.
ગિફ્ટ સિટીમાં દારૂની વધુ છૂટછાટ અંગે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખનું નિવેદનઃ જુઓ વીડિયો
ખેડૂતોને જ્યારે ખાતરની જરૂરિયાત છે ત્યારે ખાતર મળતું નથી. ભાજપના મળતિયાઓ ખાતરની કાળાબજારી કરી રહ્યા છે.ખેડા જિલ્લાના ગામમાં ગોચરની જમીનમાં ગ્રામજનોના વિરોધ છતાં બોકસાઈટની લીઝ ફાળવવામાં આવી છે. આ સિવાય રાજ્યભરમાં ગોચરની જમીનો પર ભાજપના નેતાઓ કબજો જમાવીને બેઠા છે. આવી પરિસ્થિતિમાં ખેડૂતો અને પશુપાલકો ક્યાં જાય? નડિયાદમાં રોડ-રસ્તાઓની હાલત ખૂબ ખરાબ છે અને તેમ છતાં બ્લેકલિસ્ટ કરાયેલી એજન્સીઓને ફરી કામ આપવામાં આવે છે. અને વિકાસના નામે માત્ર પોતાના ખિસ્સા ભરવામાં આવે છે. નડિયાદ સહિત શહેરોમાં રખડતા ઢોરનો ત્રાસ છે. ઘણી જગ્યાએ લોકોના મૃત્યુ પણ થયા છે, છતાં પણ મનપા દ્વારા કોઈ કાર્યવાહી થતી નથી. ખેડા જિલ્લામાં અનેક સ્થળોએ ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર ખોદકામ કરવામાં આવે છે, માટીની હેરફેર થાય છે અને બેફામ ડમ્પરો લોકોના જીવ લે છે. છતાં પણ વહીવટી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી થતી નથી, કારણ કે તેમાં અધિકારીઓના હપ્તા ચાલે છે અને મોટા ભાગના માફિયાઓ ભાજપ સરકારના મળતિયાઓ છે.

શું કહ્યું ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષારભાઈ ચૌધરીએ?
યાત્રા દરમ્યાન જનસભાને સંબોધન કરતા ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષારભાઈ ચૌધરીએ જણાવ્યું કે 2014માં ભારત સરકારનું દેવું 55.87 લાખ કરોડ હતું, વર્ષ 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ માત્ર 11 વર્ષમાં ભારતનું દેવું ત્રણ ગણું વધીને 186 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે. એ મુજબ દરેક વ્યક્તિના માથે કેન્દ્ર સરકારનું રૂ. 4.80 લાખનું દેવું છે અને રાજ્ય સરકારનું રૂ. 51 હજારનું દેવું વ્યક્તિદીઠ છે. આ પ્રમાણે દરેક વ્યક્તિ રૂ. 5.31 લાખનો દેવાદાર બને છે. મળતિયા ઉદ્યોગપતિ, વેપારીઓને કરોડો રૂપિયાની લોન માફી કરી પરંતુ સામાન્ય નાગરિકોને લાભ આપવામાં ભાજપ સરકારની નીતિ કે નિયત દેખાતી નથી.
જન આક્રોશ યાત્રામાં ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કાળુસિંહ ડાભી, કાર્યકારી પ્રમુખ મહેન્દ્રસિંહભાઈ, પ્રદેશ ઉપપ્રમુખ બિમલ શાહ, પૂર્વ ધારાસભ્યો, વરિષ્ઠ આગેવાનો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો જોડાયા.


