- સંગઠન સંબંધીત કોઇ મહત્વની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા,
- સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે પણ ચર્ચા કરવામાં આવે તેવી વકી,
- દિવાળી બાદ ગામેગામ સ્નેહ મિલનના કાર્યક્રમો યોજવા સુચન કરાશે
અમદાવાદઃ ભાજપના ધારાસભ્યો, જિલ્લા અને શહેર ભાજપના પ્રમુખો, તેમજ ભાજપના પ્રદેશ પદાધિકારીઓ તેમજ આમંત્રિતોની ખાસ બેઠક ગાંધીનગરના કમલમ ખાતે શનિવારે પક્ષના પ્રમુખ સીઆર પાટિલના અધ્યક્ષસ્થાને મળશે.જો કે બેઠકનો એજન્ડા શુ છે, તે અંગે કંઈ જાણવા મળ્યું નથી પણ નજીકના મહિનાઓમાં યોજાનારી મ્યુનિ.કોર્પોરેશન અને નગરપાલિકાઓ, જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણીઓ અંગે ચર્ચા કરીને લેશન આપવામાં આવે તેવી શક્યતા છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસ અને ખાસ કરીને સુરતથી લઇ રાજકોટમાં તેમણે યોજેલી બેઠકો બાદ ફરી એક વખત રાજયમાં મંત્રીમંડળમાં ફેરફારથી લઇ અને પ્રદેશ ભાજપના નવા પ્રમુખ અંગેની ચર્ચાએ વેગ પકડયો છે. ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગત મંગળવારે લીધેલી દિલ્હીની મુલાકાત અટકળોએ જોર પકડ્યુ હતું. ત્યારે હવે આવતા શનિવારે ગાંધીનગરમાં ભાજપના ધારાસભ્યો ઉપરાંત જિલ્લા અને શહેરના પ્રમુખોને કમલમ ખાતે પહોંચવા સુચના આપવામાં આવી છે.
સુત્રોના જણાવ્યા મુજબ જે રીતે ધારાસભ્યોની સાથે જિલ્લા અને મહાનગરના પ્રમુખોને પણ બોલાવાયા છે તેથી સંગઠન સંબંધીત કોઇ મહત્વની જાહેરાત અથવા તો તે પૂર્વેની તૈયારી હોય તેવું માનવામાં આવે છે. મંત્રીમંડળમાં ફેરફાર અંગે હજુ સુધી કોઇ નવા ડેવલપમેન્ટ જોવા મળ્યા નથી, પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ મંત્રી મંડળનું વિસ્તરણ કરાશે એવુ માનવામાં આવી રહ્યું છે. ભાજપ હંમેશા બંધ બાજી રમવા ટેવાયેલો છે અને આખરી ઘડીએ તેના પતા ઉતરે છે તેવું હવે થશે કે પછી વધુ એક વખત સ્વદેશી જેવી સલાહ આપીને તમામને કમલમથી વિદાય અપાય તેના પર ચર્ચા છે.