
વર્ષ 2024ની ચૂંટણીમાં ઉત્તરપ્રદેશમાં ભાજપ તમામ 80 બેઠકો ઉપર હારશેઃ અખિલેશનો દાવો
નવી દિલ્હીઃ વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીની ભાજપ સહિતના રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી છે. ભારતીય રાજકારણમાં એવુ મનાઈ રહ્યું છે કે, દિલ્હીનો રસ્તો ઉત્તરપ્રદેશથી જાય છે. જેથી ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં વધારેમાં વધારે બેઠકો જીતવા માટે વિવિધ પાર્ટીઓ પ્રયાસ કરતી હોય છે. દરમિયાન સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે ભાજપા ઉપર ગંભીર આક્ષેપો કરીને આગામી લોકસભા ચૂંટણીમાં તમામ 80 બેઠકો ઉપર ભાજપનો પરાજય થવાનો દાવો કર્યો હતો.
સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે કહ્યું છે કે, 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને તમામ 80 સીટો પર હારનો સામનો કરવો પડશે. તેમણે ભાજપ પર ચૂંટણી વચનો પૂરા ન કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. કોલકાતામાં સપાની બેઠક બાદ અખિલેશે કહ્યું હતું કે, “ભાજપના લોકો વોટની જરૂર હોય ત્યારે વચનો આપે છે. ભૂતકાળમાં લોકોના ખર્ચાઓ અને બેરોજગારી વધી છે. પરંતુ તેઓએ (ભાજપે) ચૂંટણી પહેલા કર્યું કોઈ વચનો પાળવામાં આવ્યા નથી.”
અખિલેશે કોંગ્રેસને સલાહ આપી કે 2024ની ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે જરૂરી છે, તેથી કોંગ્રેસ અને અન્ય પક્ષોએ તેમની ભૂમિકા નક્કી કરવી જોઈએ. તેમણે કહ્યું, “ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓ એક ગઠબંધન બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે જે સાથે મળીને કામ કરી શકે. તેલંગાણાના સીએમ કે. ચંદ્રશેખર રાવ પ્રયાસ કરી રહ્યા છે, તમિલનાડુના સીએમ એમ કે સ્ટાલિન, બિહારના સીએમ નીતિશ કુમાર અને પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી પ્રયાસ કરી રહ્યાં છે.” અખિલેશે કહ્યું કે મહાગઠબંધનનું નામ પછી નક્કી કરવામાં આવશે.
બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણીમાં પસાર કરવામાં આવેલા રાજકીય ઠરાવનો ઉલ્લેખ કરતા, ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને કહ્યું કે તેમની પાર્ટી આગામી વર્ષની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશ અને દેશમાં ભાજપને પરાજય આપે તે સુનિશ્ચિત કરવા માટે કોઈ કસર છોડશે નહીં. યાદવે કહ્યું કે, ઉત્તર પ્રદેશ એકમાત્ર એવું રાજ્ય છે જે ભાજપને રોકી શકે છે કારણ કે તેની પાસે સૌથી વધુ સીટો છે. અમે ઉત્તર પ્રદેશમાં ભાજપને હરાવીશું. સમગ્ર દેશની નજર સપા તરફ છે.
અખિલેશ યાદવે કહ્યું કે, ભાજપે અનેક જુઠ્ઠાણા બોલ્યા છે, પછી તે ડીઝલ-પેટ્રોલ હોય કે એલપીજીના ભાવ હોય કે મોંઘવારી વધે. તેમણે કહ્યું કે ભગવા પાર્ટી મોટા કોર્પોરેટ ગૃહો માટે કામ કરી રહી છે.