ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ 39 બેઠકો ઉપર ભાજપનો ભગવો લહેરાયો
અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. તેમજ અત્યારે જોરશોરથી રાજકીય પક્ષો દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જો કે, મતદાન પહેલા જ ભારતીય જનતા પાર્ટીને ફાયદો મળ્યો છે. નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની લગભગ 39 બેઠકો ભાજપે બિનહરીફ જીતી લીધી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ફોર્મ ભરાયાંના અંતિમ દિવસે જ જૂનાગઢ અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની એક-એક, સુરતની ઓલપાડ અને ચોર્યાસી તાલુકા પંચાયતની એક-એક, અમદાવાદની દસ્ક્રોઇ તાલુકા પંચાયતની બે, કચ્છની ભૂજ તાલુકા પંચાયતની એક, જૂનાગઢ તાલુકા પંચાયતની એક, ભાવનગરની ઉમરાળા તાલુકા પંચાયતની બે તથા સુરેન્દ્રનગર જિલ્લાની લીંબડી તાલુકા પંચાયત અને વઢવાણ તાલુકા પંચાયતની એક-એક, ધ્રાંગધ્રા તાલુકા પંચાયતની એક તથા થાનગઢ તાલુકા પંચાયતની પાંચ એમ કુલ મળીને 17 તાલુકા પંચાયત બેઠકો પર ભાજપના ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર કરાયા છે. આવી જ રીતે ભૂજ નગરપાલિકાની બે તથા ધ્રાંગધ્રા નગરપાલિકાની 5 બેઠકો પર ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થતા આ બેઠકો ઉપર કમળ ખીલ્યું છે. રાજ્ય માં કુલ 39 બેઠકો ઉપર ભાજપે કબ્જો જમાવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યુગલ ફુંકાયું છે. તેમજ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ આજે ચકાસણી કરવામાં આવી રહી છે. સાંજ સુધીમાં ઉમેદવારો અંગે ચિત્ર સ્પષ્ટ થઈ જશે. બીજી તરફ અમદાવાદ સહિત છ કોર્પોરેશનમાં હાલ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી સભાઓ અને રેલીઓ યોજવામાં આવી રહી છે.