Site icon Revoi.in

રેલવે સ્ટેશનો ઉપર બ્લોગર્સ અને યુટ્યુબર્સ વીડિયો કે ફોટોગ્રાફી નહીં કરી શકે

Social Share

નવી દિલ્હીઃ પૂર્વીય રેલ્વેએ રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં તમામ બ્લોગર્સ અને યુટ્યુબર્સને વિનંતી કરી છે કે, તેઓ તેમના અધિકારક્ષેત્ર હેઠળના સ્ટેશનોના વિગતવાર ફોટોગ્રાફ્સ ન લે કે વીડિયો ન બનાવે. રેલ્વેએ હરિયાણાના જ્યોતિ મલ્હોત્રાના કેસને ધ્યાનમાં રાખીને આ પગલું ભર્યું છે, જેની પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી.

પૂર્વીય રેલ્વેએ જણાવ્યું હતું કે સંબંધિત અધિકારીઓ દેખરેખ વધારશે અને ખાતરી કરશે કે કોઈ પણ મહત્વપૂર્ણ સ્ટેશનોના વિગતવાર ફોટોગ્રાફ્સ ન લઈ શકે. પૂર્વીય રેલ્વેના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “સ્ટેશન પરિસર અને પ્લેટફોર્મના ફોટોગ્રાફ્સ કે વીડિયો લેવા પર પ્રતિબંધો લાગુ છે. હવે અમે ઉભરતી પરિસ્થિતિઓ અને દેશભરમાં સુરક્ષા ચેતવણીઓને ધ્યાનમાં રાખીને દેખરેખ વધારવાનો નિર્ણય લીધો છે.”

અધિકારીએ કહ્યું કે, કેટલાક બ્લોગર્સ અથવા યુટ્યુબર રેલ્વે સ્ટેશનોના ‘વિડિઓ બ્લોગ્સ’ બનાવવાનો પ્રયાસ કરે છે, જે ખૂબ જ ચિંતાજનક છે. તેમણે કહ્યું કે, તમામ વિભાગોમાં પ્રતિબંધો લાગુ છે, પરંતુ કેટલાક લોકો માર્ગદર્શિકાનું પાલન કરવા માંગતા નથી. તેમણે કહ્યું, “અમે બધા બ્લોગર્સ અને યુટ્યુબર્સને વિનંતી કરીએ છીએ કે હવે આવી પ્રવૃત્તિઓ ન કરે. સુરક્ષા સાથે ચેડા કરી શકાય નહીં, તેથી આ પ્રતિબંધ જરૂરી હતો.”

પ્રવક્તાએ જણાવ્યું હતું કે જો મીડિયા કે ન્યૂઝ ચેનલોએ કોઈ કાર્યક્રમ કવર કરવાનો હોય, તો તેઓ તેના માટે ખાસ પરવાનગી મેળવી શકે છે, પરંતુ સામાન્ય નાગરિકોને સ્ટેશન કે પરિસરના ફોટા પાડવા કે વીડિયો બનાવવાની મંજૂરી નથી. તેમણે પુનરોચ્ચાર કર્યો કે આવા પ્રતિબંધો પહેલાથી જ લાગુ છે, પરંતુ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, તેનું કડક પાલન કરવું જરૂરી છે. તેથી, તેનો ફરીથી પુનરાવર્તન કરવામાં આવી રહ્યો છે અને તેનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે.

Exit mobile version