
મધ્ય ગુજરાતના માર્ગો રક્તરંજીતઃ અકસ્માતના ત્રણ બનાવમાં 2 બાળક સહિત 6ના મોત
અમદાવાદઃ મધ્ય ગુજરાતમાં માર્ગ અકસ્માતના ત્રણ બનાવોમાં બે બાળકો સહિત છના મોત થયાં હતા. જ્યારે સાતેક વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયાં હતા. દાહોદમાં હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર મહેમદાબાદ નજીક પૂરઝડપે પસાર થતી કારના ચાલકે સ્ટેયરિંગ પરનો કાબુ ગુમાલવા કાર રોડની સાઈડમાં ઉભેલી ટ્રકની પાછળ ઘુસી ગઈ હતી. આ અકસ્માતને પગલે કારમાં સવાર લોકોની મરણચીસોથી વાતાવરણ ગમગીન થઈ ગયું હતું. આ દૂર્ઘટનામાં બે બાળકો સહિત 3 વ્યક્તિઓના મોત થયાં હતા. આ અકસ્માતમાં છ વ્યક્તિઓને ઈજા થઈ હોવાનું જાણવા મળે છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. આ બનાવની જામ થતા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. પોલીસે આ અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી.
માર્ગ અકસ્માતના બીજો બનાવમાં આણંદના લીમડાપુરા નજીક મોટરસાઈકલ ઉપર પસાર થતા પરિવારને અજાણ્યા વાહને અડફેટે લીધા હતા. આ બનાવમાં સંતાનની નજર સામે જ દંપતિનું મોત થયું હતું. અકસ્માત સર્જીને વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. આ બનાવની જાણ થતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ ઉપરાંત દાહોદ જેકોટ નજીક હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેકોટ હાઇવે પર અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતા. બાઇક પર સવાર પિતા પુત્રમાંથી પુત્રનું મોત થયું છે જ્યારે પિતા સારવાર હેઠળ છે.