ઉત્તર-પૂર્વ ભારતમાં હાડ થીજવતી ઠંડી અને ગાઢ ધુમ્મસ, જનજીવનને અસર
નવી દિલ્હી, 6 જાન્યુઆરી 2026: સમગ્ર દેશમાં અત્યારે શિયાળાનો આકરો મિજાજ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઉત્તર અને ઉત્તર-પૂર્વ ભારતમાં કકડતી ઠંડી અને ગાઢ ધુમ્મસને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. જમ્મુ-કાશ્મીર સહિતના પહાડી વિસ્તારોમાં થયેલી ભારે બરફવર્ષાને પગલે મેદાની વિસ્તારોમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે તાપમાનમાં ધરખમ ઘટાડો નોંધાયો છે.
મધ્યપ્રદેશ અને બિહારમાં ‘ઓરેન્જ એલર્ટ’
હવામાન વિભાગ (IMD) દ્વારા આજે મધ્યપ્રદેશ અને બિહાર માટે ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. આ રાજ્યોમાં અત્યંત ગાઢ ધુમ્મસની સ્થિતિ રહેવાની ચેતવણી આપવામાં આવી છે, જેના કારણે વિઝિબિલિટી ઘટતા વાહનવ્યવહાર અને ટ્રેન સેવાઓ પર માઠી અસર પડી શકે છે.
આગામી 2-3 દિવસ આ રાજ્યોમાં રહેશે ધુમ્મસનું સામ્રાજ્ય
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી બે થી ત્રણ દિવસ સુધી ઉત્તર પ્રદેશ, હરિયાણા, ચંદીગઢ અને પંજાબ,હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને રાજસ્થાન, પશ્ચિમ બંગાળના હિમાલયી વિસ્તારો, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ અને ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં ધુમ્મસ અને ઠંડીનું જોર યથાવત રહેશે.
શીત લહેર (Cold Wave) ની આગાહી
આવતીકાલ સુધી દેશના અનેક ભાગોમાં શીત લહેર ફૂંકાવાની શક્યતા છે. ખાસ કરીને પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર અને ઝારખંડ જેવા રાજ્યોમાં તીવ્ર ઠંડીનો અનુભવ થશે. ઠંડા પવનોને કારણે લઘુત્તમ તાપમાનમાં હજુ પણ ઘટાડો થવાની સંભાવના છે. તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે.
હવામાન વિભાગની આગાહી મુજબ, ઉત્તર-પશ્ચિમ ભારત: આગામી ચાર દિવસ દરમિયાન તાપમાનનો પારો વધુ નીચે જશે. આગામી બે દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાશે. બરફવર્ષા અને ઉત્તરના ઠંડા પવનોને લીધે આગામી અઠવાડિયું સમગ્ર ભારત માટે ઠંડીના મોજા જેવું બની રહેશે. તંત્ર દ્વારા લોકોને વહેલી સવારે અને મોડી રાત્રે બિનજરૂરી બહાર ન નીકળવા અને ગરમ કપડાં પહેરવા અપીલ કરવામાં આવી છે.
વધુ વાંચો: ભારત-લક્ઝમબર્ગ સંબંધોમાં નવા અધ્યાયનો પ્રારંભ, વિદેશમંત્રી લક્ઝમબર્ગની મુલાકાતે


