Site icon Revoi.in

બોસ્વાનાની રફ હીરાની હરાજી હવે દૂબઈને બદલે સીધી સુરતના ડાયમંડ બુર્સમાં થશે

Social Share

સુરતઃ હીરા ઉદ્યોગ માટે સુરત શહેર દુનિયાભરમાં જાણીતું છે. છેલ્લા કેટલાક વર્ષોથી હીરા ઉદ્યોગ વ્યાપક મંદીનો સામનો કરી રહ્યો છે. ટ્રમ્પના ટેરિફના લીધે હીરા ઉદ્યોગને વધુ અસર કરી છે. બીજીબાજુ કાચા હીરા એટલે કે રફ ખરીદવા માટે વેપારીઓને દૂબઈ જવુ પડે છે. એટલે સુરત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બોસ્વાનાની માઇનિંગમાંથી નીકળતા રફ હીરાને દૂબઈને બદલે સીધી સુરતમાં હરાજી કરવામાં આવે એવા પ્રયાસો કરાતા એમાં સફળતા મળી છે. હવે સુરતના ડાયમંડ બુર્સમાં રફ હીરાની હરાજી થશે.

અમેરિકા દ્વારા ભારતીય વેપાર પર લાદવામાં આવેલા ટેરિફની અસરને પગલે સુરત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વૈશ્વિક વેપારને વેગ આપવા માટે મોટી કવાયત હાથ ધરવામાં આવી છે. આ કવાયતના ભાગરૂપે, હીરાની રફના વેપારનું મુખ્ય કેન્દ્ર દુબઈને બદલે સીધું સુરત બને તે માટે બોસ્વાના સાથે મહત્ત્વપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવી હતી. આ ચર્ચાઓના નક્કર પરિણામ સ્વરૂપે, હવે બોસ્વાનાની માઇનિંગમાંથી નીકળતી રફ હીરાની હરાજી આગામી દિવસોમાં સુરત ડાયમંડ બુર્સ ખાતે જ કરવામાં આવશે.

સૂત્રોના કહેવા મુજબ સુરત ચેમ્બર ઓફ કોમર્સનું એક પ્રતિનિધિ મંડળ તાજેતરમાં બોસ્વાનાની મુલાકાતે ગયું હતું. આ મુલાકાતનો મુખ્ય હેતુ બોસ્વાનાની માઇનિંગમાંથી નીકળતાં રફ હીરાને સીધી સુરતમાં હરાજી માટે લાવવાનો હતો. બોસ્વાનાની રફ હીરામાં 70 ટકા હિસ્સો ખાનગી કંપનીઓ પાસે હોય છે, જેની હરાજી મોટાભાગે દુબઈમાં થતી હતી. પરંતુ હવે, સુરત ચેમ્બર સાથેની ચર્ચામાં ખાનગી કંપનીના જવાબદારોએ સ્પષ્ટપણે સુરતમાં હરાજી કરવા માટેની તૈયારી બતાવી દીધી છે. આ નિર્ણય સુરતના હીરા ઉદ્યોગકારો માટે એક ખૂબ મોટી રાહત સમાન છે. હવે ઉદ્યોગકારોને રફ હીરાની ખરીદી માટે વિદેશ જવાની જરૂર નહીં પડે, પરંતુ ઘરઆંગણે જ વિશ્વભરની ગુણવત્તાયુક્ત રફ હીરાની ખરીદી કરવાની વ્યવસ્થા ઊભી થઈ છે. આનાથી હીરા ઉદ્યોગને સીધો અને મોટો ફાયદો થશે.

સુરત ચેમ્બરના સૂત્રોના જણાવ્યા મુજબ હીરા ઉપરાંત, પ્રતિનિધિ મંડળે બોસ્વાના મારફતે ભારત સાથે સોલાર અને કોલસાના વેપારની શક્યતાઓ અંગે પણ ચર્ચા કરી છે. આના કારણે ભારત અને બોસ્વાના વચ્ચેના વેપાર સંબંધો વધુ મજબૂત બનશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, જો ભારત અને બોસ્વાના વચ્ચે ટ્રેડ ડીલ કરવામાં આવે તો સુરતના કાપડ ઉદ્યોગને પણ વિપુલ તક મળી શકે છે. હાલમાં બોસ્વાના પર 22 ટકાનો ટેરિફ લાગુ પડે છે. જો ટ્રેડ ડીલ થાય તો, ભારતમાં બનેલું કાપડ બોસ્વાના મોકલીને ત્યાંથી અન્ય દેશોમાં મોકલવાથી આ ટેરિફનો મોટો ફાયદો મળી શકે છે. વળી, હાલમાં બોસ્વાનાના બજારમાં બાંગ્લાદેશ અને ચાઇનાનું જે કાપડ આવે છે, તેના બદલે ભારતનું કાપડ સરળતાથી સ્થાન મેળવી શકે તેવી વેપારની તકો ઊભી થઈ છે.

Exit mobile version