શેરબજારમાં તેજી પર બ્રેક: રોકાણકારોના 2.62 લાખ કરોડનું ધોવાણ
મુંબઈ, 5 ફેબ્રુઆરી 2026: છેલ્લા ત્રણ દિવસથી શેરબજારમાં જોવા મળી રહેલી હરિયાળી પર ગુરુવારે અચાનક બ્રેક લાગી ગઈ છે. સતત ઉપર ચઢી રહેલા બજારે સપ્તાહના ચોથા કારોબારી દિવસે યુ-ટર્ન લેતા રોકાણકારોને સંભળવાની તક પણ મળી ન હતી. બજારમાં જોવા મળેલી આ જબરદસ્ત વેચવાલીને કારણે રોકાણકારોની મહેનતની કમાણીના અંદાજે રૂ. 2.62 લાખ કરોડ ધોવાઈ ગયા છે. આ ઘટાડા પાછળ શુક્રવારે જાહેર થનારી RBIની મોનેટરી પોલિસીનો ડર મુખ્ય કારણ માનવામાં આવી રહ્યો છે.
બીએસઈ 503.76 પોઈન્ટના ઘડાટા સાથે 83313 અને નિફ્ટી 50 લગભગ 133 પોઈન્ટ તુટીને 25642ના સ્તરે બંધ રહ્યું હતું. બજારમાં મચેલી આ ઉથલપાથલ પાછળ બે મુખ્ય કારણો જવાબદાર રહ્યા હતા.આવતીકાલે એટલે કે શુક્રવારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) વ્યાજદરોને લઈને પોતાની નીતિ જાહેર કરશે. વ્યાજદરોમાં ફેરફાર થશે કે નહીં તેને લઈને રોકાણકારોમાં અનિશ્ચિતતાનો માહોલ છે, જેના કારણે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું.. આજે સેન્સેક્સની વીકલી એક્સપાયરી હતી. સામાન્ય રીતે એક્સપાયરીના દિવસે બજારમાં ભારે વોલેટિલિટી જોવા મળતી હોય છે, અને આજે પણ વેચવાલીનું દબાણ વધતા બજાર લાલ નિશાનમાં બંધ થયું.
સેક્ટર મુજબ જોઈએ તો આજે મેટલ સેક્ટર માં સૌથી વધુ ધોવાણ થયું છે. નિફ્ટી મેટલ ઇન્ડેક્સ 1 ટકાથી વધુ તૂટ્યો હતો. બીજી તરફ, સરકારી બેંકો અને હેલ્થકેર સેક્ટરે બજારને ટેકો આપવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અન્ય સેક્ટર્સનો સાથ ન મળતા બજારને પતનથી બચાવી શકાયું નહીં.


