Site icon Revoi.in

માંગરોળના આજક ગામનો બ્રિજ તૂટી પડ્યો, હીટાચી મશીન સહિત 8 લોકો નદીમાં ખાબક્યા

Social Share

જુનાગઢઃ મધ્ય ગુજરાતમાં પાદરા નજીક હાઈવે પરનો ગંભીરા બ્રિજ તૂટી પડતા 21 લોકોના મોત નિપજ્યા હતા. આ ઘટના બાદ રાજ્ય સરકારે ઘણાબધા જર્જરિત બ્રિજ પરથી વાહન વ્યવહાર બંધ કરાવ્યો છે. ત્યારે જુનાગઢના માંગરોળ નજીક આજક ગામ પાસે રોડ પરનો બ્રિજ એકાએક તૂટી પડતા એક હીટાચી મશીન સહિત 8 લોકો 15 ફુટ ઊંડી નદીમાં ખાબક્યા હતા. જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.

આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના આજક ગામ પાસે આજે મોટી દુર્ઘટના ઘટી હતી. આત્રોલી ગામથી કેશોદ તરફ જતા માર્ગ પર આવેલા પુલનો સ્લેબ તૂટી પડ્યો હતો, જેમાં હીટાચી મશીન સહિત આઠથી વધુ લોકો 15 ફુટ ઊંડી નદીમાં ખાબક્યા હતા, પરંતુ સદનસીબે કોઈપણ જાનહાનિ થઈ નથી. આજક ગામે આવેલો પુલ કેશોદને માધવપુર સાથે જોડતો મહત્વનો માર્ગ છે, જ્યાં ઘણા વાહનો રોજ પસાર થાય છે. આજે સવારે પુલનું સમારકામ  ચાલી રહ્યું હતું. હીટાચી મશીન સાથે કામગીરી કરવામાં આવી રહી હતી ત્યારે અચાનક પુલનો સ્લેબ ધરાશાયી થતાં ભારે અવાજ સાથે હીટાચી મશીન નીચે ખાબક્યું હતું. પુલના સ્લેબ પર આઠ-દસ લોકો પણ ઉભા હતા, જે સ્લેબ તૂટી પડતાં સીધા નદીમાં ખાબક્યા હતા, પરંતુ સદનસીબે કોઇ ગંભીર ઇજા કે જાનહાનિ નહીં થઇ. દુર્ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ ઝડપથી વાયરલ થયો હતો,

સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો  કે,  જર્જરીત પુલનું સમારકામ પૂરું જોખમ રાખીને કરવામાં આવી રહ્યું હતું. કોઈ સુરક્ષા વ્યવસ્થા નહિ હોવાથી આવા અકસ્માતો સર્જાય છે.આ રસ્તો છે જાહેર રસ્તો, હજારો વાહનો પસાર થાય છે, અહીં કામ કરવાની યોગ્ય તૈયારી વગર લોકોના જીવ સાથે રમત થઈ રહી છે.