Site icon Revoi.in

પાટડી-માલવણ હાઈવે પરના બજાણાના પુલ પર ગાબડાં પડતા સળિયા દેખાયા

Social Share

સુરેન્દ્રનગરઃ ગંભીરા બ્રિજની દૂર્ઘટના બાદ હવે અન્ય જર્જરિત બ્રિજ સામે વાહનચાલકો સવાલો ઉઠાવી રહ્યા છે. ત્યારે જિલ્લાના પાટડી-માલવણ રોડ પર આવેલા બજાણા પુલની સ્થિતિ અત્યંત જોખમી બની છે. પુલમાં મોટા ગાબડાં પડ્યા છે. સાથે જ લોખંડના સળીયા પણ બહાર દેખાવા લાગ્યા છે. ત્યારે વહેલીતકે બ્રિજને મરામત કરવાની માગ ઊઠી છે.

પાટડી-માલવણ રોડ પર આવેલા બજાણા પુલની સ્થિતિ અત્યંત જર્જરિત બની ગઈ છે. આ બ્રિજ રાજસ્થાનથી સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છને જોડતો મહત્વનો માર્ગ છે. ઉદેપુરથી મોરબી જતી ટ્રકો આ હાઈવેનો ઉપયોગ કરે છે. આ રૂટ પર અન્ય માર્ગની સરખામણીમાં 200 કિલોમીટર ઓછું અંતર છે. વળી ટ્રક ચાલકોને ત્રણ જગ્યાએ ટોલટેક્સમાં રાહત મળે છે.  પાટડી-માલવણ હાઈવે પર બજાણા બ્રિજ આવેલો છે, અને આ બ્રિજ પરથી 24 કલાક ભારે વાહનોની અવરજવર રહે છે. રાજસ્થાનથી આવતી ટ્રકો અને ટરબાઓનું સતત આવન-જાવન રહે છે. પુલની નીચેથી વિવિધ વિસ્તારોમાંથી વરસાદી પાણી રણમાં વહે છે. જો કોઈ વાહનચાલક સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવે તો 20 ફૂટ નીચે પાણીના વોકળામાં પડવાનું જોખમ છે.

સૂત્રોના કહેવા મુજબ માલવણથી પાટડી અને પીપળીથી બજાણા સુધીના રસ્તાઓની હાલત પણ ખરાબ છે. બે દિવસ પહેલા વરસાદમાં પાટડી-બજાણા રોડ પર ખાડામાં એક બાઈકચાલક પડ્યો હતો. સ્થાનિક લોકો અને વાહનચાલકોએ પુલનું તાત્કાલિક સમારકામ કરવાની માંગ કરી છે. તંત્રની નિષ્ક્રિયતા સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.