Site icon Revoi.in

જંત્રીના દરમાં સુચિત વધારા સામે બિલ્ડરોએ કરી રજુઆત

Social Share

ગાંધીનગરઃ ગુજરાત સરાકારે તાજેતરમાં જંત્રીના સુચિત દર જાહેર કરીને લોકો પાસે વાંધા સુચનો માગ્યા છે. નવા જંત્રીના દરથી મકાનોના ભાવમાં પણ વધારો થશે. શહેરમાં હાલ ઘણાબધા ફ્લેટ્સ અને મકાનો વેચાયા વગરના ખાલી પડ્યા છે. જંત્રીના સુચિત વધારાથી જમીનોના ભાવ પણ ઉચકાશે, એટલે રિયલ એસ્ટેટમાં મંદીની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે સરકારે જાહેર કરેલા ડ્રાફ્ટ જંત્રીના દરોમાં જંગી વધારો અને વિસંગતતા હોવાની રજૂઆત ગાંધીનગરના બિલ્ડરોએ કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર સમક્ષ કરી છે. બંને અધિકારીઓ અને શહેરના બિલ્ડરો વચ્ચે યોજાયેલી સંયુક્ત બેઠકમાં શહેરના વિકાસ અંગે મહત્વની ચર્ચા થઇ હતી. જેમાં ટીપી સ્કીમથી લઇને નવા વિસ્તારોના ડેવલપમેન્ટના મુદ્દા ચર્ચાયા હતા. જોકે, બિલ્ડરો દ્વારા જંત્રી મામલે યોગ્ય કરવા પણ રજૂઆત કરવામાં આવી હતી.

પાટનગર ગાંધીનગરમાં છેલ્લા બે-ત્રણ વર્ષમાં જમીનોના ભાવમાં તોતિંગ વધારો થયો છે, જેમાં ગિફ્ટસિટી અને રિવરફ્રન્ટ વિસ્તારમાં તો ફ્લેટ્સનો ભાવ પણ પરવડે એવો નથી. જેમાં હવે જંત્રીના વધારાને લીધે મધ્યમ વર્ગના લાકો મકાનો ખરીદી ન શકે તેવી સ્થિતિ ઊભી થશે. ત્યારે ગાંધીનગરના બિલ્ડરોએ જિલ્લા કલેક્ટરને જંત્રીના દર અંગે રજુઆત કરી હતી.

ગાંધીનગરના અગ્રણી બિલ્ડરો અને કલેક્ટર મેહુલ દવે તેમજ મ્યુનિસિપલ કમિશનર જે.એન. વાઘેલા સાથે કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઇ હતી. આ બેઠકને શુભેચ્છા મુલાકાત ગણાવાઇ રહી છે. જોકે તેમાં શહેરના વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા થઇ હતી. બંને અધિકારીઓ દ્વારા ગાંધીનગરના વિકાસમાં બિલ્ડરોનો પણ મહત્વનો ફાળો હોવાનું જણાવીને સુયોગ્ય વિકાસ થાય તે માટે બિલ્ડરોને અપીલ કરી હતી. ખાસ કરીને ગિફ્ટ સિટીમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું ડેવલપમેન્ટ થઇ રહ્યું છે, ઉપરાંત રીવરફ્રન્ટ પણ બની રહ્યો છે ત્યારે આ વિસ્તારમાં સુઆયોજિત વિકાસમાં બિલ્ડરોનું યોગદાન મળી રહે તેમજ નાગરિકોને સારી ગુણવત્તાના મકાન મળી રહે ઉપરાંત ભવિષ્યની જરૂરિયાતો અને વિસ્તારને ધ્યાને રાખીને વાણિજ્ય પ્રવૃત્તિ માટે તેને અનુરૂપ ડેવલપમેન્ટ થાય તે પ્રકારનું આયોજન કરવા બિલ્ડરોને જણાવવામાં આવ્યું હતું.