રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીની જોરદાર આવક
- રાજકોટના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની જોરદાર આવક
- મગફળીથી ભરેલા વાહનોની લાંબી લાઈન
ગોંડલ: રાજકોટ જિલ્લામાં આવેલા ગોંડલના માર્કેટિંગ યાર્ડમાં તહેવાર સમયે મગફળીની જોરદાર આવક થઈ છે. જાણકારી અનુસાર ગઈકાલ રાતથી માર્કેટિંગ યાર્ડની બહાર મગફળી ભરેલા વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. માર્કેટિંગ યાર્ડમાં મગફળીની પુષ્કળ આવકને પગલે અંદાજે 5થી 6 કિલોમીટર મગફળી ભરેલા વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી.
માર્કેટિંગ યાર્ડમાં મગફળીની અંદાજે 1,20,000 ગુણીની આવક થઈ છે. હરરાજીમાં મગફળીના ભાવ 20 કિલોના 800 થી 1250 સુધીના બોલાયા હતા. આગામી દિવાળીના પર્વ પર 7 દિવસ ની જાહેર રજાને લઈને મગફળી ની મબલખ આવક જોવા મળી હતી.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં મગફળીનું ભારે પ્રમાણમાં ઉત્પાદન થતા આગામી સમયમાં સિંગતેલના ડબ્બાનો ભાવ ઓછો થઈ શકે છે. આ બાબતે ખેડૂતોનું પણ કહેવું છે કે જો વરસાદ જેવું વાતાવરણ થોડું ઓછું રહ્યું હોત તો આ મગફળીનું ઉત્પાદન આના કરતા પણ વધારે પ્રમાણમાં થવાની શક્યતા હતી.