
મધ્યપ્રદેશ: ગુનેગાર સામે UPની જેમ આકરી કાર્યવાહી, બળાત્કારીના ફાર્મ ઉપર બુલ્ડોઝર ચલાવાયું
ભોપાલઃ ઉત્તરપ્રદેશમાં ગુનાખોરીને ડામવા માટે ગુનેગારો સામે આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. હવે મધ્યપ્રદેશ સરકારે પણ ગુનેગારો સામે ઉત્તરપ્રદેશની જેમ આકરી કાર્યવાહી શરૂ કરી છે. ઈન્દોરમાં એક ફાર્મ હાઉસમાં બિલ્ડર અને તેના મિત્રોએ છત્તીસગઢની યુવતી સાથે સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો. આ ફાર્મ હાઉસ ગેરકાયદે હોવાથી તંત્ર દ્વારા તેને તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઈંદોરમાં રાજેશ વિશ્વકર્મા નામનો આરોપી ફાર્મ હાઉસ ધરાવે છે. આ ફાર્મ હાઉસમાં યુવતી ઉપર સામુહિક બળાત્કારની ઘટના બની છે. રાજેશ વિશ્વકર્માએ ગેરકાયદે રીતે ફાર્મ હાઉસ બનાવ્યું હોવાથી ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં ફાર્મ હાઉસને તોડી પાડવાની કવાયત શરૂ કરવામાં આવી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તેને તોડવાની કામગીરી શરૂ કરાઈ હતી. રાજેશે મેટ્રોમોનિયલ સાઈટ ઉપર યુવતીને લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો. તેમજ યુવતીને પોતાના ફાર્મ હાઉસમાં રાખી હતી. જે બાદ દોસ્ત અંકેશ બધેલ, વિવિક વિશ્વકર્મા અને વિપિન ભદોરિયાની ઓળખ કરાવી હતી.
આરોપી રાજેશ અને તેના મિત્રોએ યુવતી ઉપર સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો. એટલું જ નહીં આરોપીઓને નિર્દયતાની તમામ હદ પાર કરી નાખીને યુવતીને શરીર ઉપર અનેક જગ્યાએ સિગારેટના ડામ આપ્યાં હતા. એટલું જ નહીં તાજેતરમાં જ એક મિત્ર સાથે છત્તીસગઢ મોકલી દીધી હતી. તેમજ સમગ્ર ઘટના અંગે કોઈ ને જાણ નહીં કરતા માટે ધમકી પણ આપી હતી. આરોપી સામેની તંત્રની કાર્યવાહીથી અન્ય ગુનેગારોમાં પણ ફફડાટ ફેલાયો છે.