Site icon Revoi.in

વડોદરામાં મોડીફાઈડ કરેલા બાઈકના સાયલેન્સર જપ્ત કરાયા બાદ બુલડોઝર ફેરવી દેવાયું

Social Share

વડોદરાઃ શહેરમાં બુલેટ સહિત બાઈકમાં વધુ અવાજવાળા સાયલેન્સરો કેટલાક ચાલકો મોડીફાઈડ કરાવતા હોય છે. કંપનીએ બુલેટમાં લગાવેલા સાયલન્સરની બદલે વધુ અવાજવાળા સાયલન્સર મોડીફાઈડ કરાવવા તે કાયદાની વિરોધમાં છે. પોલીસ દ્વારા મોડીફાઈડ કરેલા સાયલન્સર સામે વડોદરા શહેરમાં ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. અને 108થી વધુ મોડિફાઈડ કરેલા સાયલન્સરો જપ્ત કરવામાં આવ્યા હતા. પોલીસે જપ્ત કરેલા 108થી વધુ સાયલેન્સરો પર કોર્ટની મંજુરી મેળવ્યા બાદ બુડડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.

શહેરમાં ઘણાબધા બાઈક ચાલકો બાઈકમાં મોડીફાઇડ કરેલા સાઇલેન્સર લગાવી ઘોંઘાટ ફેલાવતા હોવાથી અવારનવાર પોલીસ કાર્યવાહી કરતી હોય છે જેના ભાગરૂપે આજે વડોદરા પશ્ચિમ વિભાગની ટ્રાફિક શાખા દ્વારા 108 ઇન્દોરી અને પંજાબી મોડીફાઇડ કરેલા સાઇલેન્સર પર બુલડોઝર ફેરવી નાશ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. વડોદરા શહેરમાં ખાસ કરીને સાંજના અને રાત્રીના સમય દરમિયાન રેસર બાઈક હોય કે મોટરસાયકલમાં ખાસ પ્રકારના મોડીફાઇડ કરીને સાઇલેન્સર લગાવી દઈ મુખ્ય રસ્તા પર બાઈકર્સ ગેંગના યુવકો નીકળી પડતા હોય છે અને ઘોંઘાટ ફેલાવતા રહે છે.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ વડોદરા શહેરમાં આઉટર રીંગરોડ, જુના પાદરા રોડ,  કારેલીબાગ દાંડિયા બજાર, અકોટા બ્રિજ અને શહેરના નવા વિકસિત થઈ રહેલા ન્યુ અલકાપુરી વિસ્તારમાં બાઈકર્સ ગેંગના કે અન્ય મોટર બાઈકના વાહન ચાલક મોડીફાઇડ કરેલા ઇન્દોરી કે પંજાબી સાઇલેન્સર લગાવીને ઘોંઘાટ ફેલાવતા રહે છે. જેનાથી અકસ્માતનો ભય રહેલો હોય છે એટલું જ નહીં સતત ઘોંઘાટ પણ ફેલાવતા રહે છે. જેની સામે વડોદરા ટ્રાફિક પોલીસ અવારનવાર કાર્યવાહી કરતી હોય છે. વડોદરા પોલીસે મોડીફાઇડ કરેલા સાઇલેન્સર વાળી બાઇકો જપ્ત કરી હતી. અને તેમાંથી આવા સાઇલેન્સર કાઢી લઈ કોર્ટની પરવાનગી મેળવ્યા બાદ દારૂની બોટલોના જે રીતે બુલડોઝર ફેરવીને નાશ કરવામાં આવે છે તે રીતે મોડીફાઇડ કરેલા સાઇલેન્સરનો નાશ કરવાની પ્રક્રિયા કરવામાં આવતી હોય છે.

શહેરના સયાજીગંજ ટ્રાફિક પોલીસ ઓફિસ ખાતે મોડીફાઇડ જપ્ત કરેલા 108 સાઇલેન્સર પર કોર્ટની મંજૂરી લીધા બાદ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. અગાઉ પણ 75 થી વધુ સાઇલેન્સર પર પણ બુડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.