
પાલનપુરઃ ગુજરાતમાં મગફળીના પાકનું સૌથી વધુ સૌરાષ્ટ્રમાં ઉત્પાદન થાય છે. જેમાં રાજકોટ, દ્વારકા અને સોરઠ પંથકમાં સૌથી વધુ ઉત્પાદન થાય છે. જો કે છેલ્લા કેટલાક વર્ષોથી ઉત્તર ગુજરાતમાં પણ મગફળીનું વાવેતર ખેડુતો કરવા લાગ્યા છે. જેમાં અરવલ્લી, સાબરકાંઠા અને હવે તો બનાસકાંઠા પણ ખેડુતો મગફળીનું વાવેતર કરીને સારૂએવું ઉત્પાદન મેળવી રહ્યા છે. આ વર્ષે બનાસકાંઠામાં પણ મગફળીનું રેકર્ડબ્રેક ઉત્પાદન થયું છે. જેમાં ડીસા પંથકમાં ચાલુ વર્ષે મગફળીનું બમ્પર ઉત્પાદન થયું છે. ડીસા માર્કેટયાર્ડ સહિત જિલ્લાના માર્કેટયાર્ડ્સમાં મગફળીની ધૂમ આવક થઈ રહી છે. આ વખતે બનાસકાંઠા જિલ્લાએ મગફળીના ઉત્પાદનમાં સૌરાષ્ટ્રનો વિક્રમ તોડી નાખ્યો છે. માત્ર ડીસા માર્કેટયાર્ડમાં દિવસની સવા લાખ બોરી મગફળીની આવક થઈ રહી છે.
ડીસા માર્કેટયાર્ડ મગફળીની આવકથી ઊભરાઈ ગયું છે. ખેડૂતોને ખુલ્લા માર્કેટમાં મગફળીના ખુબજ સારા ભાવો મળી રહ્યા છે .સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા મગફળીના ટેકાના 1273 રૂપિયાના ભાવ કરતાં પણ વધારે 1250 થી 1581 રૂપિયા જેટલો ભાવ ખેડૂતોને મળી રહેતા ધરતીપુત્રોમાં ખુશી છવાઈ છે. આમ તો ગુજરાતમાં મગફળીના ઉત્પાદન કરવામાં સૌરાષ્ટ્ર સૌથી આગળ હોય છે પરંતુ આ વખતે બનાસકાંઠા જિલ્લાના ખેડુતોએ તેનો વિક્રમ તોડી નાખ્યો છે. બનાસકાંઠા જિલ્લાનો ખેડૂત ઘણા સમયથી ખેતીમાં નુકશાનીની માર ખાઈ રહ્યો છે. બીપરજોય વાવાઝોડા સહિત ભારે વરસાદમાં અનેક પાકોમાં મોટું નુકશાન સહન કર્યા બાદ બેહાલ થઈ ચૂકેલા ખેડૂતોએ માટે આ વર્ષે મગફળીની ખેતી નવી આશા લઈને આવી છે.
બનાસકાંઠામાં ચોમાસુ વાવેતર તરીકે મોટાભાગના ખેડૂતો મગફળીનું વાવેતર કરવા લાગ્યા છે. આ વખતે જિલ્લામાં મગફળીનું ઉત્પાદન પણ બમ્પર થયું છે. જેને લઈને ડીસા પંથકના ખેડૂતો પોતાની મગફળી વેચવા ડીસા માર્કેટયાર્ડમાં મોટા પ્રમાણમાં આવી રહ્યા છે. જેને લઈને ડીસા માર્કેટયાર્ડમાં રોજની સવા લાખથી વધુ બોરી મગફળીની આવક થઈ રહી છે. ખેડૂતોને મગફળીના મણે 1250 થી 1500 રૂપિયા જેટલા સારા ભાવ મળી રહેતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ખેડૂતોનું કહેવું છે કે ગત વર્ષ કરતા આ વર્ષે મગફળીમાં પ્રતિમણે 200 થી 250 રૂપિયા વધારે ભાવ મળી રહ્યા છે. ડીસા યાર્ડમાં ટ્રેક્ટરો ભરીને મગફળીની આવક થઈ રહી છે. જેથી ડીસા માર્કેટયાર્ડ મગફળીથી ઉભરાઈ રહ્યું છે. ગત વર્ષે 16 લાખ બોરી મગફળીની આવક થઈ હતી. અને ભાવ 971 થી 1451 રૂપિયા ભાવ હતો. જેમાં 1277 એવરેજ ભાવ હતો પરંતુ આ વર્ષે મગફળીનું બમ્પર ઉત્પાદન થયું હોવા છતાં 1271 થી 1581 રૂપિયા પ્રતિમણે ખેડુતોને મગફળીનો સારો ભાવ મળી રહ્યો છે.