અમદાવાદઃ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 14મી ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચેની રોમાંચક મેચ રમાશે. મેચને પ્રત્યક્ષ નિહાળવા માટે દેશભરમાંથી ક્રિકેટરસિયાઓ આવશે. મેચની ટિકિટ મેળવવી મુશ્કેલ બની છે. ઓનલાઈન ટિકિટ વેચાણ માટેનો સ્લોટ ખૂલતા ગણતરીની મીનીટ્સમાં તમામ ટિકિટો વેચાઈ ગઈ હતી. ટિકિટોના કાળા બજર સામે પણ પોલીસ બાજ નજર રાખી રહી છે. ત્યારે ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ ડુપ્લિકેટ બનાવીને વેચતા 4 યુવકોની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ચારેય યુવનો કલર પ્રિન્ટર મારફત ટિકિટની પ્રિન્ટ કાઢીને વેચવા માટે પ્રયાસ કરતા હતા. ત્યારે ક્રાઈમ બ્રાન્ચે ચાર યુવાનોને દબોચી લીધા હતા. આ સમગ્ર રેકેટમાં સંખ્યાબંધ નકલી ટિકિટો વેચાઈ ગઈ હોય એવી વિગતો મળી છે. પકડાયેલા આરોપીઓ માત્ર 18થી 19 વર્ષના યુવાનો છે. આ સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચે કોને ટિકિટો વેચી હતી એ શોધવાનું પણ શરૂ કર્યું છે. યુવકોએ કઈ રીતે આખી યોજના ઘડી એ અંગે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનારી હાઈવોલ્ટેજ ભારત-પાકિસ્તાન મેચ પહેલા ચાહકોનો ઉત્સાહ ચરમસીમાએ છે. સાથે જ લેભાગુ તત્વો પણ સક્રિય થઈ ગયા છે. શહેર ક્રાઈમ બ્રાન્ચે ચાર યુવાનોને દબોચી લઈને મેચની બનાવટી ટિકિટો વેચવાના રેકેટનો પડદાફાશ કર્યો હતો. પકડાયેલા આરોપીઓએ 50 નકલી ટિકિટનું વેચાણ કર્યું હોવાની કબુલાત કરી છે. આરોપીઓએ નકલી ટિકિટો 2 હજારથી 20 હજારમાં વેચીને 3 લાખની કમાણી કરી છે.
ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે, આરોપીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી ટિકિટનું વેચાણ કરતા હતા. અને 200 જેટલી નકલી ટિકિટો તૈયાર કરી હતી. ધ્રુમિલ નામના આરોપીએ કડીથી ઓરીજનલ ટીકીટ મેળવી હતી, જેના આધારે બનાવટી ટિકીટ બનાવ્યાની કબુલાત કરી છે. ક્રાઈમ બ્રાંચે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં બોડકદેવની એક ઝેરોક્ષની દુકાનમાં નકલી ટિકિટ બનાવી હતી. ક્રાઈમ બ્રાન્ચે ઝેરોક્ષની દુકાનમાં દરોડા પાડીને ટિકિટ પ્રિન્ટ કરેલા 25 પેઈજ કબ્જે કરાયા હતા.અદ્દલ અસલી ટિકિટ જેવી જ લાગતી નકલી ટિકિટો બનાવવામાં આવી હતી અને તેને વેચવાનો કારસો ઘડ્યો હતો. જો કે, બ્લેકમાં નકલી ટિકિટ વેચાય તે પહેલા આરોપીઓને દબોચી લીધા હતા. નરલી ટિકિટ સાથે કુલ ચાર યુવાનોની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાંચે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.