
- બેંક લોનની વૃદ્વિમાં સતત બીજા વર્ષે ઘટાડો
- નાણાકીય વર્ષ 2020-21માં તેમાં ફક્ત 5.56 ટકા વધારો
- જે 59 વર્ષનુ સૌથી નીચું સ્તર છે
નવી દિલ્હી: કોવિડ-19ની ઇફેક્ટને કારણે બેંક લોનની વૃદ્વિમાં સતત બીજા વર્ષે ઘટાડો થયો છે અને તે લઘુત્તમ સ્તરે છે. નાણાકીય વર્ષ 2020-21માં તેમાં ફક્ત 5.56 ટકા વધારો થયો છે, જે 59 વર્ષનુ સૌથી નીચું સ્તર છે. SBIના રિસર્ચ રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, નાણાકીય વર્ષ 2020-21માં કુલ લોન ઉપાડ રૂ. 109.51 લાખ કરોડ રહ્યો. લોનની વૃદ્વિ 2019-20 કરતાં ઓછી છે. તો આ સમયગાળામાં લોનમાં 6.14 ટકાનો વધારો હતો અને તે 58 વર્ષના નીચા સ્તરે હતો. અગાઉ, નાણાકીય વર્ષ 1961-62માં લોન વૃદ્વિ ઓછામાં ઓછી 5.38 ટકા હતી.
SBI રિસર્ચે ભારતીય રિઝર્વ બેંક (RBI) ના આંકડાને ટાંકીને જણાવ્યું છે કે, બેંકોમાં થાપણો 2020-21માં 11.4% વધીને 151.13 લાખ કરોડ રૂપિયા રહી છે, જે 2019-20 માં 7.93% થઇ હતી.
SBI રિસર્ચ રિપોર્ટ અનુસાર નાણાકીય વર્ષ 2007-08માં લોન અને ડિપોઝીટમાં શ્રેષ્ઠ વૃદ્ધિ નોંધાઈ હતી. તે સમયે, થાપણોમાં જ્યા 22.4% નો વધારો થયો હતો, ત્યાં લોન ઉપાડમાં 22.3% નો વધારો થયો હતો.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2020-21 નાં પહેલા ભાગમાં લોન ઉપાડ પર રોગચાળાની અસર થઈ હતી કારણ કે તે સમયે અર્થતંત્ર બંધ હતું. બીજા ભાગમાં નવેમ્બર પછી થોડી વૃદ્ધિ નોંધાઈ છે.
રિપોર્ટ અનુસાર, આમ હોવા છતાં, 2020-21માં લોનમાં વૃદ્ધિ માત્ર 5.56% રહી, જે 59 વર્ષનાં સૌથી નીચા સ્તરે છે. 2019-20માં આ વૃદ્ધિ 6.14% હતી. વર્ષ 2020-21માં ડિપોઝિટમાં વૃદ્ધિ દર 11.4% રહ્યો જે 2019-15માં 7.93% હતો, નાણાકીય વર્ષ 2019-20 માં ડિપોઝિટ રૂ .135.71 લાખ કરોડ રહી હતી.
(સંકેત)