
- આઇપીઓ પૂર્વે LICની આવક ઘટી
- નવા બિઝનેસ પ્રીમિયમમાં 20%નો ઘટાડો
- અન્ય વીમા કંપનીઓની પ્રીમિયમ આવક વધી
નવી દિલ્હી: આ વર્ષે ભારતનો સૌથી મોટો IPO એટલે કે LICનો IPO આવી રહ્યો છે. માર્ચ ક્વાર્ટર દરમિયાન LICનો IPO આવે તેવી સંભાવના છે ત્યારે આ પૂર્વે LICની આવકમાં મોટા પાયે ઘટાડો નોંધાયો છે. ડિસેમ્બર મહિનામાં LICની નવી બિઝનેસ પ્રીમિયમ આવકમાં 20 ટકાથી વધુનો ઘટાડો થયો છે. ગત મહિને પણ LICનું નવું બિઝનેસ પ્રીમિયમ કલેક્શન 20.30 ટકા ઘટીને રૂ. 11,434.13 કરોડ થયું હતું.
બીજી તરફ દેશમાં કાર્યરત અન્ય બાકીની 23 જીવન વીમા કંપનીઓની પ્રીમિયમ આવક ડિસેમ્બર 2021માં 29.83 ટકા વધીને રૂ.13,032.33 કરોડ થઇ છે.
ડિસેમ્બર 2021માં જીવન વીમા કંપનીઓની નવી પોલિસી પ્રીમિયમ આવક રૂ. 24,466.46 કરોડ રહી છે, જે લગભગ એક વર્ષ અગાઉના સમાન સ્તરે હતી. શુક્રવારના રોજ ડિસેમ્બરના ડેટા જાહેર કરતા, વીમા નિયમનકાર ઈરડા(IRDA)એ જણાવ્યું હતું કે ડિસેમ્બર 2020માં રૂ. 24,383.42 કરોડનું પ્રીમિયમ જમા થયું હતું.
ખાનગી વીમા કંપનીઓમાં એચડીએફસી સ્ટાન્ડર્ડ લાઇફની નવી પ્રીમિયમ આવક 55.67 ટકા વધીને રૂ. 2,973.74 કરોડ થઈ છે. એસબીઆઈ લાઇફની નવી પ્રીમિયમ આવક 26.72 ટકા વધીને રૂ. 2,943.09 કરોડ થઈ છે. જોકે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફની નવી પ્રીમિયમ આવક ડિસેમ્બર 2020ની સરખામણીએ 6.02 ટકા ઘટીને રૂ. 1,380.93 કરોડ થઈ છે. એ જ રીતે કોટક મહિન્દ્રા લાઇફ, એગોન લાઇફ, ફ્યુચર જનરલીની નવી પ્રીમિયમ આવકમાં પણ ઘટાડો થયો છે.
નોંધનીય છે કે, એકંદરે તમામ જીવન વીમા કંપનીઓનું પ્રથમ વર્ષનું પ્રીમિયમ એપ્રિલ-ડિસેમ્બર 2021માં 7.43 ટકા વધીને રૂ. 2,05,231.86 કરોડ થયું છે.