- કોરોનાની ઘાતક બીજી લહેરને કારણે દેશના અનેક રાજ્યોમાં નિયંત્રણો લદાયા
- આ નિયંત્રણોથી દેશમાં જીડીપીને લગભગ 1.5 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થઇ શકે
- તેમાં લગભગ 80 ટકા ભાગ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનનો હશે
નવી દિલ્હી: કોરોનાની ઘાતક બીજી લહેરના કારણે ઘણા રાજ્યોમાં લોકડાઉન જેવા નિયંત્રણો કે આંશિક લોકડાઉનથી દેશમાં જીડીપીને લગભગ 1.5 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થઇ શકે છે. તેમાં લગભગ 80 ટકા ભાગ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનનો હશે. SBI રિસર્ચના એક રિપોર્ટમાં આ દાવો કર્યો છે. SBI રિસર્ચના રિપોર્ટ અનુસાર વિવિધ રાજ્યોમાં હાલનાં લોકડાઉનને કારણે નુકસાન થવાની સંભાવના છે.
SBI રિસર્ચ રિપોર્ટ અનુસાર, અત્યારે તેઓનું અનુમાન છે કે મહારાષ્ટ્રમાં જ આશરે 82,000 કરોડ રૂપિયાનું નુકસાન થશે, જો લોકડાઉન વધુ કડક બનશે તો નિશ્વિતરૂપે નુકસાન વધી શકે છે. બીજી તરફ મધ્યપ્રદેશમાં આશરે 21,712 કરોડ રૂપિયા તેમજ રાજસ્થાનમાં લગભગ 17,237 કરોડ રૂપિયાનું નુકસાન થઇ શકે છે.
કોવિડ 19ની બીજી લહેરમાં અમલી નિયંત્રણોના કારણે SBI રિસર્ચ નાણાકીય વર્ષ 2021-22માં દેશની જીડીપી વૃદ્ધિનો અંદાજ ઘટાડીને 10.4 ટકા કર્યો છે. અગાઉ તેણે 11 ટકાનો વૃદ્ધિદરનું અનુમાન લગાવ્યું હતું.
મહારાષ્ટ્રમાં વીકએન્ડમાં લોકડાઉન અને નાઇટ કર્ફ્યુ છે. એ જ રીતે, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ઘણા શહેરોમાં, અનેક પ્રકારનાં નિયંત્રણો મૂકવામાં આવ્યા છે.
(સંકેત)