પેટ્રોલ-ડીઝલના ભાવમાં આગઝરતી તેજી, વિમાનના વપરાતા ઇંધણ કરતા પણ પેટ્રોલ-ડીઝલ 33 ટકા મોંઘા
- પેટ્રોલ-ડીઝલના ભાવમાં આગઝરતી તેજી
- વિમાનમાં યૂઝ થતા ઇંધણ એટીએફ કરતાં પણ પેટ્રોલ-ડીઝલ 33 ટકા મોંઘા
- દેશના 12 રાજ્યોમાં ડીઝલનો ભાવ 100ને પાર
નવી દિલ્હી: સમગ્ર દેશમાં મોંઘવારીએ માઝા મૂકી છે. આજે સતત ચોથા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 35 પૈસાનો વધારો થયો છે. કેટલાક રાજ્યોમાં તો પેટ્રોલ-ડીઝલના ભાવ 100ને પાર થઇ ચૂક્યા છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તેજી એટલી છે કે વિમાનમાં વપરાશ થતા ઇંધણન એવિએશન ટર્બાઇન ફ્યુઅલ કરતાં પણ તેના ભાવ 33 ટકા વધી ગયા છે.
દિલ્હીમાં એક કિલોલીટર એટીએફનો ભાવ 79 રૂપિયા છે. 24 સપ્ટેમ્બરથી અત્યારસુધીમાં ડીઝલના ભાવમાં કુલ 5.95 રૂપિયાનો વધારો કરાયો છે, બીજી તરફ 28 સપ્ટેમ્બરથી અત્યારસુધીમાં પેટ્રોલના ભાવમાં કુલ 4.65 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
પેટ્રોલના ભાવ 100ને પાર થયા છે તો બીજી તરફ દેશના 12થી વધુ રાજ્યોમાં ડીઝલનો ભાવ પણ 100 રૂપિયાને પાર થઇ ગયો છે. બેંગાલુરુ, દમણ અને સિલવાસામાં પણ ડીઝલનો ભાવ 100 રૂપિયાને પાર થઇ ગયો છે.
આજના ભાવવધારા પછી દિલ્હીમાં એક લિટર પેટ્રોલનો ભાવ વધીને 105.84 રૂપિયા અને એક લિટર ડીઝલનો ભાવ વધીને 94.57 રૂપિયા થઇ ગયો છે. બીજી તરફ મુંબઇમાં એક લિટર પેટ્રોલનો ભાવ વધીને 111.77 રૂપિયા અને એક લિટર ડીઝલનો ભાવ વધીને 102.52 રૂપિયા થઇ ગયો છે.
24 સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં ડીઝલના ભાવમાં 19મી વખત અને પેટ્રોલના ભાવમાં 16મી વખત ભાવ વધારવામાં આવ્યા છે. દેશના મોટા ભાગના વિસ્તારોમાં પેટ્રોલનો ભાવ વધીને 100 રૂપિયાને પાર થઇ ગયો છે. જ્યારે હવે ડીઝલનો ભાવ 12 રાજ્યોમાં 100 રૂપિયાને પાર થઇ ગયો છે.
આ 12 રાજ્યોમાં મધ્ય પ્રદેશ, રાજસૃથાન, ઓડિશા, આંધ્ર પ્રદેશ, તેલંગણા, ગુજરાત, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, બિહાર, કેરળ, કર્ણાટક અને લેહનો સમાવેશ થાય છે.