
- ભારત સરકાર હવે ચાર માંદી બેંકોમાં અંદાજે 14,500 કરોડ રૂપિયા ઠાલવશે
- સરકારના આ પગલાંથી કેટલીક બેંકો RBIના નિયમનમાંથી બહાર આવે તેવી સંભાવના
- સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન ઓવરસીઝ બેંક, બેંક ઑફ ઇન્ડિયા અને યુકો બેંકને ફંડ્સ અપાશે
નવી દિલ્હી: ભારતમાં કેટલીક સરકારી બેંકો હજુ પણ NPAના ભારણ હેઠળ છે ત્યારે સરકાર હવે કેપિટલ બફરને મજબૂત બનાવવા માટે ચાર માંદી સરકારી બેંકોમાં અંદાજે 14,500 કરોડ રૂપિયા ઠાલવશે. સરકારના આ પગલાંથી કેટલીક બેંકો RBIના નિયમનમાંથી બહાર આવે તેવી સંભાવના છે.
સરકારના જાહેરનામા અનુસાર શૂન્ય કૂપન બોન્ડ્સ મારફત સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન ઓવરસીઝ બેંક, બેંક ઑફ ઇન્ડિયા અને યુકો બેંકને ફંડ્સ અપાશે. બેંક ઑફ ઇન્ડિયા સિવાય અન્ય ત્રણેય બેંકોની બેડ લોન સતત વધવાને કારણે RBIએ તેમના પર હાલ નિયંત્રણો મૂકેલા છે. ભારતીય અર્થતંત્રને મજબૂત બનાવવા માટે મોદી સરકાર હાલ પ્રયાસરત છે અને આ જ દિશામાં ધિરાણને પ્રોત્સાહન આપવા માટે બેંન્કિંગ સેક્ટરને વધુ મજબૂત બનાવવા માટે આવશ્યક્તા છે.
મોદી સરકાર સરકારી બેંકોમાં મૂડી ઠાલવવાની સાથે હાલમાં કેટલીક બેંકોમાં તેનો હિસ્સો વેચીને રોકડી કરવા તેમજ સ્પર્ધાત્મક્તામાં સુધારો લાવવાનો ઉદ્દેશ ધરાવે છે. બેંન્કિંગ સેક્ટરમાં બેડ લોનનું પ્રમાણ આ વર્ષે સપ્ટેમ્બર સુધીમાં બમણો થવાની સંભાવના છે, જેમાં સરકારી બેંકોની માંદી એસેટ્સનો પણ સમાવેશ થાય છે.
બેન્કોમાં મૂડી ઠલવાશે તો અનેક બેન્કોને ૧લી એપ્રિલથી શરૂ થતાં નાણાકીય વર્ષમાં આરબીઆઈના કથિત પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન પ્રોગ્રામમાંથી બહાર આવવામાં મદદ મળશે.
(સંકેત)