- દેશમાં કમરતોડ મોંઘવારી વચ્ચે ડુંગળીની કિંમતને અંકુશમાં લાવવા સરકારનું પગલું
- સરકારે પોતાની પાસે રહેલા બફર સ્ટોકમાંથી કેટલોક જથ્થો બજારમાં ઠાલવ્યો
- સરકાર દ્વારા કુલ 67,357 ટન ડુંગળીનો જથ્થો ઠાલવવામાં આવ્યો છે
નવી દિલ્હી: દેશમાં અત્યારે કમરતોડ મોંઘવારી જોવા મળી રહી છે. પેટ્રોલ, ડીઝલ, ઘરેલુ ગેસ સિલિન્ડર, શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે જેને કારણે ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાયું છે. ડુંગળીની કિંમતો પણ સતત વધી રહી છે ત્યારે કિંમતોને અંકુશમાં લાવવા માટે કેન્દ્ર સરકારે પોતાની પાસે રહેલા બફર સ્ટોકમાંથી કેટલોક જથ્થો બજારમાં ઠાલવ્યો છે.
સરકારના નિવેદન અનુસાર દિલ્હી, કોલકાતા, લખનૌ, રાંચી, ગુવાહાટી, ભુવનેશ્વર, હૈદરાબાદ, બેંગ્લોર, મુંબઇ, ચંદીગઢ જેવા મુખ્ય બજારોમાં કુલ 67,357 ટન ડુંગળીનો જથ્થો ઠાલવવામાં આવ્યો છે.
સરકારી સુત્રોના જણાવ્યા અનુસાર, ઓગસ્ટના આરંભથી જ વહેલા-તે પહેલાના ધારણે મંડીઓમાં ડુંગળીનો જથ્થો કરવામાં આવી રહ્યો છે. તેનાથી ડુંગળીની કિંમતોને અંકુશમાં રાખવામાં મદદ મળવાની સાથે સાથે મિનિમમ સ્ટોરેજ નુકસાનની ખાતરી કરી શકાશે.
સરકારના આ પ્રયાસોથી 14 ઑક્ટોબર સુધી દેશના મેટ્રો શહેરોમાં ડુંગળીની છૂટક કિંમત 42થી 57 રૂપિયા પ્રતિ કિગ્રાની દાયરામાં હતી. સમગ્ર ભારતમાં સરેરાશ છૂટક કિંમત 37 રૂપિયા પ્રતિ કિગ્રાથી નીચે હતી.