
- આ વર્ષે Paytm પોતાનો IPO લઇને આવશે
- આ IPO મારફતે કંપની 22 હજાર કરોડ એકત્ર કરવાનું ધરાવે છે લક્ષ્ય
- તે દેશનો સૌથી મોટો IPO બની શકે છે
નવી દિલ્હી: આ વર્ષે કોરોના મહામારી છતાં શેરમાર્કેટમાં તેજીનો ઘોડો દોડી રહ્યો છે અને આ જ તકનો લાભ ઉઠાવતા અનેક કંપનીઓ મૂડીબજારમાં IPO સાથે પ્રવેશી રહી છે. હવે દેશની અગ્રણી ડિજીટલ પેમેન્ટ કંપની PayTm આ વર્ષે આઇપીઓ લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. કંપની IPO મારફતે 21 હજાર 900 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના ધરાવે છે. જો તે LICની પહેલા IPO લાવે છે તો તે દેશનો સૌથી મોટો IPO બની રહેશે.
પેટીએમનું વેલ્યૂએશન 25-30 અબજ ડોલરનું છે. 97 કોમ્યુનિકેશન બોર્ડની આજે મળનારી બેઠકમાં આઇપીઓને લીલી ઝંડી મળી શકે છે. પેટીએમના આઇપીઓ માટે જે બેંકોની પસંદગી કરાશે તેમાં મોર્ગન સ્ટેનલી, જેપી મોર્ગન છે. જૂન કે જુલાઇ મહિનામાં આ આઇપીઓની પ્રક્રિયા શરૂ થશે.
કંપની ડિજીટલથી લઇને બેંકિંગ, ક્રેડિટ કાર્ડ્સ, નાણાકીય સેવાઓ, સંપત્તિ વ્યવસ્થાપન અને ડિજીટલ વોલેટ્સની સેવાઓ પ્રદાન કરી રહી છે. તે યુપીઆઇ આધારિત પેમેન્ટ સર્વિસ પ્રદાન કરે છે. પેટીએમ વોલમાર્ટના ફોન પે, ગૂગલ પે, એમેઝોન પે અને ફેસબૂક વોટ્સએપ પે સાથે સ્પર્ધા કરે છે.
કોલ ઇન્ડિયા – અત્યારસુધીનો સૌથી મોટો IPO
અત્યાર સુધીમાં દેશમાં સૌથી મોટો આઈપીઓ કોલ ઈન્ડિયા રહ્યો છે. તેણે 2010 માં રૂ 15,200 કરોડ એકત્ર કર્યા હતા. ત્યારથી કોઈ પણ કંપની આટલો મોટો આઈપીઓ લાવી નથી.