
ભારતના માર્કેટમાં સ્માર્ટફોનની સર્જાઇ અછત, ડિમાન્ડ સામે 20-30 ટકા જ સપ્લાય થઇ
- બજારમાં સર્જાઇ સ્માર્ટફોનની અછત
- માંગ સામે સપ્લાય 20 થી 30 ટકા જ થઇ
- લોકપ્રિય બ્રાન્ડ્સના સ્માર્ટફોનની અછત
નવી દિલ્હી: અત્યારે માર્કેટમાં નવા નવા સ્માર્ટફોન સમયાંતરે લોન્ચ થતા રહે છે અને લોકો પણ ટેક્નોલોજીના યુગમાં કદમ સાથે કદમ મિલાવવા માટે સ્માર્ટફોન અપનાવતા થયા છે ત્યારે અત્યારે ભારતમાં સ્માર્ટફોન ખરીદવા માંગતા લોકોને રાહ જોવી પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે.
અત્યારે એવી સ્થિતિ સર્જાઇ છે કે, ઘણી લોકપ્રિય બ્રાન્ડના ઘણા મોડેલ હાલમાં બજારમાંથી તેમજ ઇ-કોમર્સ સાઇટ પર ઉપલબ્ધ નથી. એક રિપોર્ટ અનુસાર હાલમાં જે માંગ છે તેની સામે માત્ર 20 થી 30 ટકા જ સ્મારટફોન સપ્લાય થાય તેવી સ્થિતિ છે. દિવાળી સમયે વધેલી માંગને પૂરી કરવા માટે તો કંપનીઓ સફળ રહી હતી પરંતુ હવે ઘણા લોકપ્રિય મોડેલ સ્ટોકની બહાર થયા છે.
માર્કેટ રિસર્ચર અનુસાર કંપનીઓનું ઑક્ટોબરથી ડિસેમ્બરના ત્રિમાસિક ગાળાનું વેચાણ પ્રભાવિત થવાની સંભાવના છે. સપ્લાય ક્યારથી વધશે તે હજુ નક્કી જ નથી.
નોંધનીય છે કે, આ વર્ષે દિવાળીમાં તો ગમે તેમ કરીને કંપનીઓએ સ્ટોક મેનેજ કર્યો હતો પણ હવે સપ્લાયનુ પ્રેશર વધી ગયુ છે.સપ્લાય પર પ્રભાવ પડવાનુ મુખ્ય કારણ ચિપની શોર્ટેજ છે અને આ અસર વર્ષના અંત સુધી જોવા મળે તેવી શક્યતા છે.