શેરબજારમાં તેજીનો ઘોડો દોડ્યો, સેન્સેક્સે પ્રથમ વખત 62000ની ઐતિહાસિક સપાટી વટાવી
- એક તરફ મોંઘવારીનો માર તો બીજી તરફ શેરબજારમાં તેજી જ તેજી
- સેન્સેક્સે પ્રથમ વખત 62000ની ઐતિહાસિક સપાટી વટાવી
- સેન્સેક્સમાં 395 પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો છે
નવી દિલ્હી: દેશમાં એક તરફ મોંઘવારી જોવા મળી રહી છે ત્યારે બીજી તરફ શેરબજારમાં તેજીનો ઘોડો પૂરઝડપે દોડી રહ્યો છે. શેરબજારમાં જોવા મળી રહેલી તેજીને કારણે રોકાણકારોને અઢળક કમાણી થઇ છે.
કારોબારી સપ્તાહના બીજા દિવસે સેન્સેક્સ 394 પોઇન્ટના ઉછાળા સાથે 62000ની સપાટી વટાવી હતી. આજે સવારે શેરબજાર 62159ના સ્તર પર ખુલ્યું હતું. જો કે બાદમાં સેન્સેક્સ ઘટીને 62000ની સપાટી નીચે ટ્રેડ થઇ રહ્યો હતો.
કારોબાર દરમિયાન HDFC બેંક, એલ એન્ડ ટી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવા શેર્સમાં તેજી જોવા મળી રહી છે. તે ઉપરાંત ટેક મહિન્દ્રા, એચયુએલ, એક્સિસ બેંક, ભારતી એરટેલના શેર્સ પણ ગ્રીન સીગ્નલ સાથે ટ્રેડ કરી રહ્યાં છે. બીજી તરફ કેટલાક શેર્સમાં નરમાઇ જોવા મળી હતી જેમાં ITC, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટાઇટન, પાવર ગ્રિડ અને કોટક બેંક સામેલ છે.
ભારતમાં જે રીતે શેરબજારમાં તેજી જોવા મળી રહી છે તેનાથી વિપરિત વૈશ્વિક માર્કેટમાં કોઇ ખાસ ગતિવિધિ જોવા નથી મળી. ચીનના અર્થતંત્રમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. ચીનની ગ્લોબલ સપ્લાય ચેન પણ પ્રભાવિત થઇ છે. તેની પ્રત્યક્ષ અસર મોંઘવારી પર પડી રહી છે. વિશ્વભરમાં મોંઘવારી ખૂબ જ વધી રહી છે જે એક ચિંતાનો વિષય છે.