Site icon Revoi.in

વડોદરામાં પોલીસ હોવાનું કહી વેપારી અને યુવતીનું અપહરણ કરીને 4.5 લાખની ખંડણી વસુલી

Social Share

વડોદરાઃ ભરૂચના કાપડના વેપારી તેના મહિલા મિત્રને લઈને એમ એસ યુનિવર્સિટીમાં એડમિશન અપાવવા માટે કારમાં વડાદરા આવ્યા હતા. અને કામ પૂર્ણ કરીને ઈનોવા કારમાં પરત ફરતા હતા  ત્યારે સ્કોર્પિયા કાર લઈને આવેલા બે શખસોએ ઈનોવા કાર રોકાવીને પોતે પોલીસ હોવાનું કહીને વેપારી અને તેની મહિલા મિત્રનું કારમાં અપહરણ કર્યુ હતું. અને વિવિધ ગુનામાં ફીટ કરી દેવાની ધમકી આપીને રૂપિયા 4.5 લાખનો તોડ કર્યો હતો. આ બનાવની શહેરના માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. ખંડણી માગનારા બન્ને શખસો પોલીસ વિભાગના હોવાની શંકા છે.

વડોદરામાં પોલીસની ઓળખ આપી વેપારી અને યુવતીનું અપહરણ કરી ખંડણી વસૂલવામાં આવી હોવાની ફરિયાદ શહેરના માંજલપુર પોલીસ મથકે નોંધાઈ છે. 6 દિવસ અગાઉ ભરૂચથી કપડાંનો વેપારી મહિલા મિત્રને લઈ અત્રે આવ્યો હતો. તે વેપારી અને મહિલાનું અપહરણ કરી ખંડણી વસૂલી હોવાનો બનાવ બન્યો હતો. જેમાં નકલી એસ.ઓ.જી બનેલા પોલીસ વિભાગના બે અસલી જવાનોની સંડોવણી હોવાનું માનવામાં આવે છે. જોકે આ અંગે તપાસ ચાલી રહી છે. પોલીસે આ અંગે અપહરણ અને ખંડણીની કલમો લગાવી તપાસ શરૂ કરી છે.

આ બનાવની વિગતો એવી છે કે, ગત 12 નવેમ્બરના રોજ સવારે ભરૂચના વેપારી અફવાન પોતાની મહિલા મિત્ર અને અન્ય મિત્ર સાથે એમ.એસ.યુનિવર્સિટીમાં એડમિશનના કામે ઈનોવા લઈને આવ્યા હતા.મહિલા મિત્રનું એડમિશનું કામ પૂર્ણ થતાં ત્રણેય પરત ભરૂચ જવા દોઢ વાગે નીકળ્યા હતા. દરમિયાન વેપારીની ઈનોવા કાર સુસેન સર્કલ ઉપર પહોંચે તે પહેલાં એસ.આર.પી ગ્રુપ- 9 પાસે એક સફેદ કલરની સ્કોર્પિયો કારે આંતરી ઊભી રખાવી હતી અને એમાંથી ખાખી કલરનું પેન્ટ પહેરેલો એક વ્યક્તિ અન્ય વ્યક્તિઓ સાથે ઉતર્યો હતો અને અંદર બેસી જઈને પોલીસ હોવાનું જણાવ્યું હતું અને બધાના ફોન લઈ લીધા હતા અને મહિલા મિત્રને નીચે ઉતારી કોઈ મેડમ પાસે લઈ જવા માટે સફેદ સ્કોર્પિયો ગાડીમાં લઈ ગયા હતા. બાદમાં વેપારીના ડ્રાઈવરને કાર અમદાવાદ એક્સપ્રેસ વે ઉપર થઈ લઈ લેવા જણાવ્યું હતું અને રસ્તામાં પોતે અમદાવાદ એસ.ઓ.જીના જવાનો છીએ તું કેવા ધંધા કરે છે, એની અમને ખબર છે. અમારા પીઆઇ તને ઊંધો લટકાવીને મારશે, તું જેલમાં જઈશ અને વકીલોને 50 લાખ આપીશ તો પણ નહીં છૂટી શકે એમ જણાવી 50 લાખ રૂપિયાની માંગણી કરી હતી.જે નહીં હોવાનું અફવાને જણાવ્યું હતું. રકઝક કરતાં કાર એક્સપ્રેસ હાઈવેના અમદાવાદ સીટીએમ નાકે પહોંચી હતી. અંતે વેપારીએ 4.5 લાખ આપવાની તૈયારી દર્શાવતા અફવાનને પરત વડોદરા લવાયો હતો. બાદમાં એના ભાઈ સાથે ફોન પર વાત કરતાં ભરૂચથી 4.5 લાખ લઈને તાત્કાલિક વડોદરા પહોંચવા જણાવ્યું હતું અને કાલાઘોડા પાસે ઉભો રાખ્યો હતો અને ફોન કરીને લાલબાગ પાસે આવેલા એટીએમમાં રૂપિયા મૂકી દેવા માટે જણાવ્યું હતું. 4.5 લાખ મળી ગયા બાદ નકલી એસ.ઓ.જી બનેલા જવાનોએ અફવાનને છોડી દીધો હતો, પરંતુ, મોબાઇલ ફોન પરત આપ્યો ન હતો. બીજા દિવસે ફોન કરી એક લાખ રૂપિયા આપી ફોન પરત લઈ જવાનું કહેતા વેપારી ખંડણીખોરોએ આપેલા સરનામે અકોટા પોલીસ લાઇન પાસે આવી એક લાખ આપી ફોન પરત મેળવ્યો હતો.

આ ઘટનામાં નકલી પોલીસ બનેલા લોકો ઉપર શંકા જતા માંજલપુર પોલીસ મથકે પહોંચી અફવાને ફરિયાદ નોંધાવી હતી.જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે માંજલપુર પોલીસ મથકે અપહરણ અને ખંડણીની ફરિયાદ નોંધાઈ છે. જેની પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી છે.

Exit mobile version