
ભોપાલઃ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, માર્ચ 2024 સુધીમાં વંદે ભારત સ્લીપર ટ્રેનો પાટા પર દોડતી જોવા મળશે. એટલે કે વંદે ભારત ટ્રેન દ્વારા હવે મુસાફરો માત્ર બેસીને જ નહીં પરંતુ સૂઈને પણ મુસાફરીનો આનંદ માણી શકશે. એટલું જ નહીં, મુસાફરો સસ્તા ભાડામાં પણ આ ટ્રેનોમાં મુસાફરી કરી શકશે. રેલવે મંત્રીએ જણાવ્યું કે હાલમાં આ ટ્રેનો શરૂ કરવાની યોજના ટ્રેક પર છે. મધ્યપ્રદેશના ભોપાલમાં પીએમ મોદીએ દેશને પાંચ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ભેટમાં આપી હતી. આ કાર્યક્રમમાં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ ભાગ લીધો હતો. આ દરમિયાન કેન્દ્રીય રેલવે મંત્રીએ આ જાહેરાત કરી હતી.
રેલવે મંત્રીએ જણાવ્યું હતું કે, દેશના મોટાભાગના રાજ્યો વંદે ભારત એક્સપ્રેસ નેટવર્ક સાથે જોડાયેલા છે. માત્ર ચાર રાજ્યો સિવાય અન્ય તમામ રાજ્યો વંદે ભારત એક્સપ્રેસ દ્વારા જોડાયેલા છે. જે ચાર રાજ્યો હજુ સુધી વંદે ભારત એક્સપ્રેસ દ્વારા જોડાયેલા નથી, તે હજુ વીજળીકરણ કરવાના બાકી છે અથવા તેમની પાસે રેલવે નેટવર્ક નથી. આ કાર્યક્રમ દરમિયાન રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે સ્લીપર કોચના વંદે સ્લીપરની ડિઝાઈન ખૂબ જ એડવાન્સ સ્ટેજમાં ચાલી રહી છે. ડિસેમ્બર સુધીમાં ડિઝાઇન પૂર્ણ થઈ જશે. આ સાથે મેન્યુફેક્ચરિંગ પણ અવિરત ચાલી રહ્યું છે. આ સાથે કેન્દ્રીય રેલવે મંત્રીએ કહ્યું કે, માર્ચ-2024 સુધીમાં વંદે સ્લીપર ટ્રેન પણ આવી જશે.
ભારતીય રેલ્વેએ રેલ્વે ઉત્પાદન એકમો (ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી, રેલ કોચ) ની અંદર ભારતીય રેલ્વે ડિઝાઇન સેન્ટરની સ્થાપના કરી છે. અગાઉ 102 વંદે ભારત રેક્સ (2022-2023માં 35 અને 2023-2024માં 67) ની ઉત્પાદન યોજના બહાર પાડવામાં આવી હતી. કુલ 75 વંદે ભારત રેકનું આયોજન ચેર કાર વેરિઅન્ટ અને બાકીના સ્લીપર વેરિઅન્ટ તરીકે કરવામાં આવ્યું છે. રેલવે મંત્રીના જણાવ્યા અનુસાર, ભારતીય રેલ્વે ત્રણ અલગ-અલગ ટેક્નોલોજીની 400 વંદે ભારત ટ્રેન (સ્લીપર વેરિઅન્ટ) બનાવવાની યોજના ધરાવે છે, જેના માટે ભારતીય રેલ્વેએ ઉત્પાદન માટે ટેક્નોલોજી ભાગીદારોની પસંદગી કરવા માટે ટેન્ડર પણ બહાર પાડ્યા હતા.