
નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી લોકસભા ચૂંટણીની તૈયારીમાં પુરા જોરશોરથી લાગી ગઈ છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે મોટી ઘોષણા કરી છે. તેમણે કહ્યુ છે કે ચૂંટણી પહેલા આખા દેશમાં સિટિઝનશિપ અમેન્ડમેન્ટ એક્ટ એટલે કે સીએએ લાગુ થઈ જશે. તેમણે આ વાત ઈટી નાઉ ગ્લોબલ બિઝનેસ સમિટ દરમિયાન જણાવી છે. મહત્વપૂર્ણ છે કે એપ્રિલ અને મે માસમાં ચૂંટણી થવાની સંભાવના છે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યુ છે કે હું સ્પષ્ટ કરી દેવા માંગુ છું કે સીએએ કોઈપણ વ્યક્તિની નાગરિકતા છીનવશે નહીં. તેનો ઉદેશ્ય માત્ર ધાર્મિક ઉત્પીડનનો સામનો કરી રહેલા પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના અલ્પસંખ્યકોને નાગરિકતા આપવાનો છે. આ વાયદો મૂળભૂત રીતે કોંગ્રેસે જ તેમને કર્યો હતો.
તેમમે વિપક્ષ પર મુસ્લિમોને ગુમરાહ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યુ છે કે આપણા મુસ્લિમ ભાઈઓને સીએએને લઈને ગેરમાર્ગે દોરાય રહ્યા છે અને ભડકાવાય રહ્યા છે. સીએએ માત્ર પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશની ધાર્મિક લઘુમતીઓને નાગરિકતા આપવા માટે છે.
મહત્વપૂર્ણ છે કે તાજેતરમાં કેન્દ્રીય મંત્રી શાંતનુ ઠાકુરે દાવો કર્યો હતો કે આગામી સાત દિવસની અંદર જ સીએએ લાગુ કરી દેવામાં આવશે. આ વિધેયક 2019માં જ સંસદમાં પારીત થઈ ગયો હતો. તેના પછી તત્કાલિન રાષ્ટ્રપતિ રામાનથ કોવિંદે પણ વિધેયકને મંજૂરી આપી અને તેના પછી તે કાયદો બની ગયો. આ કાયદો બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની ધાર્મિક લઘુમતીઓને નાગરિકતા આપવાની જોગવાઈ કરે છે.
સીએએ પ્રમાણે, ત્રણ પાડોશી દેશો બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી આવેલી ધાર્મિક લઘુમતીઓને નાગરિકતા આપવામાં આવશે. જે લોકો 2014 સુધી કોઈ અત્યાચારને કારણે ભારત આવ્યા છે તેમને નાગરિકતા મળશે. તેમાં હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી પણ સામેલ હશે.
ઉલ્લેખનીય છે કે આ બિલ 2016માં જ લોકસભામાં પારીત થઈ ચુક્યું હતું. પરંતુ રાજ્યસભામાં પારીત થયું ન હતું. તેના પછી તેને 2019માં ફરીથી રજૂ કરવામાં આવ્યું. 10 જાન્યુઆરી, 2020ના રોજ રાષ્ટ્રપતિએ તેને મંજૂરી આપી હતી. તેના પછી બે વર્ષ કોરોનાનો જ પ્રકોપ રહ્યો. આ કાયદા હેઠળ 9 રાજ્યોના 30થી વધુ ડીએમને પણ વિશેષાધિકાર આપવામાં આવશે.