નવી દિલ્હી, 21 માર્ચ 2026: દેશની સર્વોચ્ચ અદાલતે એક મહત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે, કોઈ લેણદાર દ્વારા પોતાના બાકી નાણાંની વસૂલાત માટે દબાણ કરવું અથવા વારંવાર ફોન કરવા એ ‘આત્મહત્યા માટે ઉશ્કેરણી’નો ગુનો ગણી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે ગુજરાતના મોરબી જિલ્લાના એક કેસમાં આ મોટો નિર્ણય સંભળાવતા લેણદારો વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદને રદ કરવાનો આદેશ આપ્યો છે. આ ચુકાદા સાથે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે કાયદેસરની ઉઘરાણીને ફોજદારી ગુના સાથે જોડી શકાય નહીં.
મોરબી જિલ્લામાં એક વ્યક્તિએ ટ્રેક્ટર-ટ્રોલી નીચે કૂદીને જીવન ટૂંકાવ્યું હતું. મૃતક પાસેથી મળી આવેલી સુસાઈડ નોટમાં ધીરુભાઈ નાનજીભાઈ પટેલ લોટવાલા સહિત નવ લેણદારોના નામ હતા. મૃતકનો આરોપ હતો કે આ લોકો પૈસાની ઉઘરાણી માટે તેને પરેશાન કરી રહ્યા છે અને ધમકાવી રહ્યા છે. આ મામલે ગુજરાત હાઈકોર્ટે FIR રદ કરવાનો ઈનકાર કરતા મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો.
જસ્ટિસ મનોજ મિશ્રા અને જસ્ટિસ મનમોહન હેઠળની ખંડપીઠે હાઈકોર્ટના આદેશને પલટાવતા જણાવ્યું હતું કે, “જો કોઈ લેણદાર પોતાના પૈસા પાછા મેળવવા માટે ફોન કરે છે, તો તે એક કાયદેસરનું કાર્ય છે. તેને ગુનાહિત કૃત્ય માની શકાય નહીં.” કોર્ટે નોંધ્યું હતું કે કોલ રેકોર્ડ મુજબ આરોપીએ 6 મહિનામાં અંદાજે 40 વખત ફોન કર્યા હતા, પરંતુ આ માત્ર નાણાકીય લેવડ-દેવડનો ભાગ હતો.
કોર્ટે નોંધ્યું હતું કે, માત્ર સુસાઈડ નોટમાં નામ હોવાથી કોઈ વ્યક્તિ ગુનેગાર સાબિત થતી નથી. સુસાઈડ નોટમાં આરોપીઓની કોઈ ચોક્કસ ભૂમિકાનો ઉલ્લેખ નથી. મૃતકે તમામ નવ લેણદારો પર એકસમાન અને સામાન્ય આરોપો લગાવ્યા છે. જ્યાં સુધી આરોપીએ મૃતકને શારીરિક રીતે ત્રાસ આપ્યો હોય અથવા આત્મહત્યા માટે સીધો મજબૂર કર્યો હોય તેવા પુરાવા ન મળે, ત્યાં સુધી તેને ઉશ્કેરણી ગણી શકાય નહીં. આવા કેસમાં ટ્રાયલ ચલાવવી એ કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ અને સમયનો બગાડ છે.
આ પણ વાંચોઃ યુદ્ધના સુપરસ્ટારો મિસાઈલ, રોકેટ અને ઈન્ટરસેપ્ટર વચ્ચે શું તફાવત છે, જાણો છો?


