Site icon Revoi.in

વડોદરામાં એસટી સમાંતર પ્રવાસીઓની હેરાફેરી કરતા વાહનો સામે ઝૂંબેશ, 53 વાહનો જપ્ત

Social Share

વડોદરાઃ શહેરમાં એસટીના મુખ્ય બસ સ્ટેશન તેમજ શહેર બહારના સ્ટેન્ડ પરથી ખાનગી વાહનોમાં પ્રવાસીઓની હેરાફેરી કરવામાં આવતી હતી. એસ બસ ઉપડવાના સમયે જે રૂટની બસ હોય તે રૂટ પર શટલિયા ખાનગી વાહનો પ્રવાસીઓને લઈ જતા હતા. આથી આરટીઓ અધિકારી જે કે પટેલ અને એસટી મધ્યસ્થ કચેરી સુરક્ષા ખાતાના વડા આર ડી.ગળચરની સૂચના મુજબ મધ્યસ્થ કચેરી સુરક્ષા ખાતા અને વડોદરા વિભાગ સુરક્ષા શાખાના સ્ટાફ દ્વારા આરટીઓ વડોદરા અને જિલ્લા ટ્રાફિક પોલીસ વડોદરા મળી સત્તત ત્રણ દિવસ ગેરકાયદેસર રીતે મુસાફરીની હેરાફેરી કરતા વાહનો સામે લાલ આંખ કરી છે. આ કાર્યવાહીમાં સંયુક્ત ડ્રાઇવ ચલાવી કાર્યવાહી કરવામાં આવી હતી.જેમાં ગેર કાયદેસર મુસાફરોની હેરા ફેરી કરતા વાહનો સામે કાર્યવાહી હાથ ધરી 150 કેસ કરવામાં આવ્યા હતા તેમજ 53 જેટલા વાહનોને ડિટેન કરવામાં આવ્યા હતાં. આ સાથે અન્ય વાહનો સામે કુલ રૂપિયા 1,87,000 નો દંડ વસૂલવામાં આવ્યો હતો.

આ અંગે મોટર વેહિકલ ઇન્સ્પેક્ટર એન બી પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ દિવસથી આરટીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. વડોદરા આરટીઓ અને નિયામક વિભાગીય કચેરીના આદેશ અનુસાર પ્રાઇવેટ વાહનો દ્વારા ગેરકાયદેસર રીતે વહન કરવામાં આવી રહ્યું છે, જેના કારણે રાજ્ય સરકારની ટેકાની આવક અને નિગમની આવકને નુકસાન પહોંચાડવામાં આવે છે. ઉપરાંત અકસ્માતના બનાવો પણ સામે આવે છે જે ખુબજ ગંભીર બાબત છે. આ અનુસંધાને હાલમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કાર્યવાહીમાં 40 જેટલા વાહનો સામે કેસ કરવામાં આવ્યા છે. આ કાર્યવાહીમાં પરમિટ ભંગ, રોડ સેફ્ટી અને ઓવરલોડ વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી છે.

Exit mobile version