
પાલનપુરના નજીક કેનાલનું નાળું તૂટી જતાં પાણીનો વેડફાટ, ખેડુતોએ કર્યો ભ્રષ્ટાચારનો આક્ષેપ
પાલનપુરઃ તાલુકાના ગઢ ગામમાંથી પસાર થતી દાંતીવાડા બ્રાન્ચ કેનાલ નવુ બનાવેલું નાળુ તૂટી જતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. નવા બનાવેલા નાળામાં પ્રથમ પાણી છોડાતા જ ગાબડું પડતા ચારેબાજુ પાણી ફરી વળ્યા હતા. આ બાબતની જાણ સિંચાઈ વિભાગને કરાતા તાત્કાલીક સમારકામ શરૂ કરવામાં આવ્યુ હતુ.
પાલનપુરના ગઢ વિસ્તારમાંથી પસાર થતી દાતીવાડાની થ્રી એલ માઇનોર કેનાલને લીધે આ વિસ્તારના ખંડુતોને સિંચાઈનો સારોએવો લાભ મળી રહ્યો છે. દરમિયાન બીપોરજોય વાવાઝોડાના કારણે ગઢમાંથી પસાર થતી કેનાલનું નાળુ ક્ષતિગ્રસ્ત થયું હતું. તેના કારણે છેલ્લા ત્રણ માસથી નાળાની કામગીરી ચાલી રહી હતી અને આ કામગીરી દરમિયાન પણ ખેડૂતોએ ભ્રષ્ટાચારના આક્ષેપ કરીને રજૂઆત પણ કરી હતી. કેનાલમાંથી પસાર થતા આ નાળાની કામગીરી પૂર્ણ થતા ગત રાત્રે ટેસ્ટિંગ માટે પાણી છોડવામાં આવ્યું હતું અને પ્રથમ પાણી એ જ નાળુ તૂટી ગયું હતું. ગઢ વિસ્તારના છ જેટલા ગામોમાંથી પસાર થતી આ કેનાલમાં 1000 એક્ટર જેટલા વાવેતરમાં પિયત થાય છે. હાલ રવિ સીઝનમાં પાણીની ખાસ જરૂર છે. ત્યારે જ નવું બનાવેલું નાળું તૂટી જતાં પાણીનો વેડફાટ થયો હતો.
પાલનપુર તાલુકામાં મોટા પ્રમાણમાં રવિ વાવેતર પણ થયું છે, ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળવાની આશા હતી પરંતુ કેનાલમાં ગાબડું પડવાથી હવે ખેડૂતો પાણી વિનાના રહેશે લાખો રૂપિયાના ખર્ચે બનાવેલું નાળુ એક જ પાણીએ તૂટી જતા પ્રાંત અધિકારી અને કેનાલના મુખ્ય અધિકારી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ખેડૂતોને આશ્વાસન આપ્યું હતું કે કામમાં ગેરરીતિ થઈ હશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.