Site icon Revoi.in

GPSC ક્લાસ 1-2 ની પરીક્ષાનું એક વર્ષ બાદ પણ પરિણામ જાહેર ન કરાતા ઉમેદવારોમાં રોષ

Social Share

ગાંધીનગરઃ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC)  દ્વારા કલાસ 1-2ની 2023-24 ભરતી જાહેરાત અંતર્ગત જાન્યુઆરી 2024માં પ્રિલિમ પરીક્ષા લેવાયા બાદ ઓક્ટોબર 2024માં મેઈન લેવાઈ હતી. આ પરીક્ષા લીધાને એક વર્ષ થવા છતાં હજુ સુધી મેઈનનું પરિણામ જાહેર ન થતા પરીક્ષા આપનારા ઉમેદવારો મુશ્કેલીમાં મુકાયા છે. બીજી બાજુ જીપીએસસી દ્વારા પરિણામ ક્યારે જાહેર થશે અને ક્યારે ઈન્ટરવ્યુ લેવાશે તેની કોઈ જ સ્પષ્ટતા કરાતી નથી.જેને પગલે ઉમેદવારોના નાણા અને સમયનો વ્યય થાય છે.

જીપીએસસીની કલાસ 1 અને 2ની ભરતીની ગત ઓક્ટોબર-2024ની મેઈન પરીક્ષા આપનારા ઉમેદવારોએ પરિણામની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે. પરિણામ ક્યારે જાહેર કરાશે તે આયોગના પદાધિકારીઓ પણ કહી શકતા નથી. ઉમેદવારોના કહેવા મુજબ વર્ષ 2023-24ની ભરતી જાહેરાત અંતર્ગત જાન્યુઆરી 2024માં પ્રિલિમ પરીક્ષા લેવાઈ હતી .જેમાં ક્વોલિફાઈ થનારા અંદાજે 9900 જેટલા ઉમેદવારોએ ઓક્ટોબર 2024માં મેઈન પરીક્ષા આપી હતી. મેઈન પરીક્ષાને એક વર્ષ કરતા વધુ સમય થઈ ગયો છે પરંતુ હજુ સુધી જીપીએસસી દ્વારા પરિણામ જાહેર કરાયુ નથી.

ઉમેદવારોની ફરિયાદ છે કે જીપીએસસીમાં હાલ માત્ર ચેરમેન અને અન્ય એક જ મેમ્બર છે. જ્યારે પાંચ મેમ્બરની જગ્યા ખાલી છે. ઓક્ટોબર 2024ની મેઈન પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવતુ નથી અને નવી નવી ભરતી પરીક્ષાઓ જાહેર થાય છે તેમજ લેવામા આવે છે. ત્યારે ઉમેદવારોએ નવી પરીક્ષાઓ માટે તૈયારી કરવી કે નહીં, પરીક્ષા આપવી કે નહીં તેની મોટી મુંઝવણ છે. ઉમેદવારોની ફરિયાદ છે કે પરિણામ મુદ્દે અનેકવાર પુછપરછ કરવામા આવી છે. પરંતુ જીપીએસસી દ્વારા કોઈ સ્પષ્ટતા કરાતી નથી. માત્ર વેબસાઈટ જોતા રહેવુ તેવો જ જવાબ આપવામા આવે છે. બે વર્ષ પહેલા જાહેર થયેલી ભરતીમાં હજુ સુધી ફાઈનલ પસંદગી જ થઈ શકી નથી. મેઈનનું પરિણામ ક્યારે આવશે અને ક્યારે ઈન્ટરવ્યુ થશે તેને લઈને ઉમેદવારો ચિંતામાં મુકાયા છે. ઉપરાંત આયોગમાં મેમ્બરો પણ પુરતા ન હોવાથી ભરતી પરીક્ષાઓમાં ઈન્ટરવ્યુ પણ કઈ રીતે લેવાશે તે પ્રશ્ન ઉમેદવારો દ્વારા ઉઠાવવામા આવી રહ્યો છે.

Exit mobile version