
ભચાઉમાં સામખિયાળી હાઈવે પર કાર સળગી ઊઠી, મુન્દ્રામાં ટ્રક ક્લીનરનું વીજળીનો કરંટ લાગતા મોત
ભૂજઃ કચ્છમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં ભચાઉના સામખિયાળી હાઈવે પર કેસરગઢ નજીક એક કારમાં આગ લાગી હતી. જોકે કારમાં સવાર તમામ પ્રવાસીઓ કારના દરવાજા ખોલીને બહાર નીકળી જતાં તમામનો બચાવ થયો હતો, જ્યારે અકસ્માતનો બીજો બનાવ મુન્દ્રામાં બન્યો હતો. જેમાં ટ્રકનો ક્લીનર ટ્રક પર ઊભા રહીને કામ કરતા હતો તે દરમિયાન વીજળીના વાયરને અડી જતાં કરંન્ટ લાગતા તેનું મોત નિપજ્યું હતું.
પ્રથમ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, ભચાઉ નજીક સામખીયાળી ધોરીમાર્ગ પરના કેસરીગઢ નજીક ગત રાત્રે એક સફેદ કલરની કાર અચાનક કોઈ કારણોસર સળગી ઉઠી હતી. રસ્તા વચ્ચે ભડભડ સળગતી કારથી હાઇવે ઉપર પસાર થતા અન્ય વાહન ચાલકોમાં જોખમ ઉભું થયું હતું, જોકે ઘટનાની જાણ થતાં ફાયર ફાયટરે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઇ આગ ઉપર પાણીનો મારો ચલાવી અડધો કલાકની જહેમતના અંતે આગને કાબુમાં મેળવી હતી. સદભાગ્યે આ બનાવમાં જાનહાની ટળી હતી.
બીજા બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, મુન્દ્રાના ઔદ્યોગિક પરા સમાન ધ્રબમાં રાજસ્થાની યુવાનને વીજશોક લાગતાં મોત નિપજ્યું હતુ. ટ્રકમાં ક્લિનર તરીકે કામ કરતો યુવાન ટ્રક ઉપર ચડી કામ કરતો હતો ત્યારે જ વીજલાઈનને અડી જતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવ સવારના ભાગે ધ્રબ સ્થિત ઓલ્ડ પોર્ટ રોડ પર જીઆઇડીસી નજીક આવેલા એલાઇટ કાંટા પાસે બન્યો હતો.જેમાં માવજીભાઈ આહીરની ટ્રકમાં ક્લીનર તરીકે ફરજ બજાવતો યુવાન નજીર ઓસમાણ ખાન (ઉ.વ.20 રહે બાડમેર-રાજસ્થાન)ટ્રક પર ચડી કંઈક કામ કરી રહ્યો હતો.ત્યારે અકસ્માતે ઉપરથી જતી ઇલેવન કેવી વીજલાઇનના સંપર્કમાં આવતા તેને શોક લાગ્યો હતો.બનાવને પગલે હતભાગી શ્રમિક યુવાનને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે સ્થાનિક સીએચસીમાં ખસેડાયો હતો.પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવને પગલે મુન્દ્રા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.