અમદાવાદ, 3 એપ્રિલ 2026: Car driver dies of heart attack આજકાલ હાર્ટએટેકના બનાવો વધતા જાય છે. સોલા વિસ્તારમાં સાયન્સ સિટી રોડ પર હેરિયર કારમાં ડ્રાઈવરની સીટ પર મૃત હાલતમાં ચાલકનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસને જાણ કરવામાં આવતા સોલા પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી. મૃતક શેલા ગામના રહેવાસી અને શેરબજારનો વ્યવસાય કરતાં હર્ષદ પ્રજાપતિ નામના વ્યક્તિ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં હાર્ટ એટેકને કારણે કારચાલકનું મોત થયાનું જાણવા મળ્યું હતું. સીટ બેલ્ટ બાંધેલી હાલતમાં જ ડ્રાઈવિંગ સીટ પર કારચાલકનું પ્રાણ પંખેરુ ઉડી ગયું હતું.
આ બનાવની વિગત એવી છે કે, ગઈકાલે સાંજના સમયે સોલા સાયન્સ સિટી રોડ પર એક કાર ઉભી છે અને તેમાં ચાલક બેભાન અવસ્થામાં છે. તેવી પોલીસને જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો, જ્યાં તપાસ કરતા જાણવા મળ્યું કે કારની અંદર એક વ્યક્તિ ડ્રાઈવર સીટ પર સીટ બેલ્ટ બાંધેલી હાલતમાં નિશ્ચેત પડ્યા છે. તપાસ દરમિયાન મૃતકની ઓળખ 45 વર્ષીય હર્ષદ પ્રજાપતિ તરીકે થઈ હતી, જેઓ મૂળ શેલા ગામના રહેવાસી હતા.
ઘટનાસ્થળે બોલાવવામાં આવેલી 108ની ઇમરજન્સી ટીમે તપાસ બાદ હર્ષદભાઈને મૃત જાહેર કર્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકના શરીર પર કોઈ પણ પ્રકારની ઈજાના નિશાન મળી આવ્યા ન હતા. પ્રાથમિક દ્રષ્ટિએ હાર્ટ એટેકને કારણે મોત થયું હોવાનું જણાય છે. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો.

