અમદાવાદઃ શહેરના પોશ વિસ્તારમાં આવેલા સિંધુભવન રોડ પર મોડી રાત્રે થયેલા ભયાનક અકસ્માતે ફરી એક વાર નબીરાઓની બેફામગીરીનો મુદ્દો ચર્ચામાં આવી ગયો છે. અર્બન ચોક પાસે ફુલ સ્પીડમાં દોડતી કાર ચાલકે 5 લોકોને અડફેટે લીધા હતા. સદ નસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ અનેક લોકો ઘાયલ થયા છે.
મળતી માહિતી મુજબ, અર્બન ચોક સામે ડ્યુટી બજાવતા 2 હોમગાર્ડને બેફામ કાર ચાલકે ટક્કર મારી હતી. અકસ્માત કર્યા બાદ ચાલક ભાગવા લાગ્યો અને દરમિયાન માર્ગ પર 3 રાહદારીઓને પણ અડફેટે લીધા હતા. આ ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ 5 લોકોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સોલા સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ડોક્ટરો મુજબ હાલ સૌની સ્થિતિ સ્થિર છે.
પોલીસે ઘટનાસ્થળ પરથી 2 શખ્સોને અટકાયત કરી છે, જોકે હકીકતમાં કાર કોણ હંકારી રહ્યુ હતુ તેની માહિતી હજી સુધી સામે આવી નથી. પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવીને તેની તપાસ કરી રહી છે. પોલીસે કાર ચાલકે દારૂ પીધો હતો કે નહીં તે એંગલથી પણ તપાસ હાથ ધરી છે. સીસીટીવી ફૂટેજ, કારના માલિક, અને અટકાયતમાં લેવાયેલા શખ્સોના નિવેદન આધારે આગળની કાર્યવાહી થશે.

