Site icon Revoi.in

અમદાવાદથી જાલોર જઈ રહેલી કારનો આબુરોડ પર અકસ્માત, એક જ પરિવારના 6નાં મોત

Social Share

અમદાવાદઃ હાઈવે પર મોડી રાતે અને વહેલી સવારે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે સિરોહી-આબુરોડ હાઈવે પર પૂરફાટ ઝડપે કાર ટ્રેલર પાછળ ઘૂંસી જતાં કારમાં પ્રવાસ કરી રહેલા 6 પ્રવાસીના મોત નિપજ્યા હતા. અમદાવાદથી એક પરિવાર કારમાં  રાજસ્થાનના જાલોર જઈ રહ્યું હતું. ત્યારે સિરોહી નજીક કારનો અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, વહેલી સવારે સિરોહી-આબુરોડ નેશનલ હાઇવે 27 પર એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. અમદાવાદથી જાલોર જઇ રહેલી કાર ટ્રેલર પાછળ ઘૂસી જતાં એક જ પરિવારના 6 સભ્યોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. આ અકસ્માતના બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. અકસ્માતમાં ઘાયલ એક પ્રવાસીને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને મૃતકનો ડેડબોડીને પી.એમ. અર્થે ખસેડવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ  સિરોહી-આબુરોડ હાઇવે પર કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં અમદાવાદથી જાલોર થઇ રહેલી કાર ટ્રેલર પાછળ ઘૂસી જતાં એક જ પરિવારના 6 સભ્યોને કાળ ભરખી ગયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.  આ અકસ્માતની જાણ થતાં સિરોહી પોલીસની ટીમ ઘટસ્થળે દોડી આવી હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ એક મહિલાને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડી હતી, જ્યારે મૃતકોની ડેડબોડીને પોસ્ટમોર્ટમ માટે આબુરોડની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. હાલ મૃતકોની ઓળખવિધિની પ્રક્રિયા ચાલી રહી છે. એક જ પરિવારના 6 સભ્યોના મોતથી સમગ્ર પંથકમાં ગમગીની છવાઇ ગઇ હતી.