Site icon Revoi.in

મહેસાણાના કનોડા પાસે રૂપેણ નદીના કોઝવેમાં કાર તણાઈ, ત્રણ લોકોનો બચાવ

Social Share

મહેસાણાઃ  જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે નદી-નાળા છલકાયા છે. જિલ્લાના બેચરાજી તાલુકામાં આવેલા કનોડા અને મોટપ ગામ વચ્ચે પસાર થતી રૂપેણ નદી પર બનેલા કોઝવે પર પાણી વહી રહ્યા હતા ત્યારે એક કારચાલકે કોઝવે પરથી કાર ચલાવતા પાણીના પ્રવાહને લીધે કાર કોઝવે પરથી પલટી ખાઈને નદીમાં પડી હતી. દરમિયાન કારમાં સવાર ત્રણ લોકો કારમાંથી નિકળીને બહાર આવવાનો પ્રયાસ કરતા તણાવા લાગ્યા હતા. અને એક ઝાડની ડાળી પકડીને બચવાનો પ્રયાસ કરતા હતા દરમિયાન આ બનાવની ગ્રામજનોને જાણ થતાં ગ્રામજનો દોડી ગયા હતા અને નદીમાંથી ત્રણેય લોકોને રેસ્ક્યુ કરીને બચાવી લીધા હતા.

આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, બેચરાજી તાલુકામાં આવેલા મોટપ અને કનોડા ગામ વચ્ચે પસાર થતી રૂપેણ નદી પર બનેલા કોઝવે પર નદીના પાણી વહી રહ્યા હતા. ત્યારે કાર પસાર થતી હતી. જોકે પાણીના પ્રવાહમાં કાર તણાઈ જતા કોઝવેના બહારના ભાગે કાર તણાઈને આડી પડી હતી.આ દરમિયાન કારમાં સવાર ત્રણ લોકો કારમાંથી બહાર આવી વૃક્ષના સહારે બચ્યા હતા.આ દરમિયાન સ્થાનિક લોકોને જાણ થતાં તેઓ નદી પર પહોંચી ત્રણ લોકોને બહાર કાઢ્યા હતા. દરમિયાન પાણીના પ્રવાહમાં તણાયેલી કારને જોવા ગામના લોકોના ટોળેટોળાં ઉમટ્યા હતા. નદીનો કોઝવે પાર કરતા સમયે આ દુર્ઘટના સર્જાઈ હતી. નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોવાને કારણે કાર તણાઈ ગઈ હતી. કારમાં રહેલા ત્રણ લોકોએ વૃક્ષના સહારે બચ્યા હતા. સ્થાનિકોએ વૃક્ષ પર આસરો લઈ રહેલા ત્રણેયનો મહામહેનતે જીવ બચાવ્યો હતો

મહેસાણા જિલ્લામાં ગઈ કાલે સવારથી પડેલા ભારે વરસાદના પગલે વિજાપુર તાલુકાના કોલવડા ગામ તળાવના આસપાસના 14 પરિવારોને સવારે તળાવ ઓવરફ્લો થતા વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત પરિવારોને ગામની પ્રાથમિક શાળા ખાતે સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા.  આ 14 પરિવારના લોકોને સવારે મધ્યાહન ભોજન યોજનાની ટીમ દ્વારા ભોજન પીરસવામાં આવ્યું હતું.તેમજ ગ્રામ પંચાયત દ્વારા તેમને ભોજનની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી.

Exit mobile version